પૃષ્ઠ:Pankhadio.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક વેળા વેલીમાંના પુષ્પદ્વારમાં થઈને ત્ય્હાં એક સુન્દરી આવી. એની આંખો, રાતાં કમળ સમી, ભીની ને રાતી હતી. એના હાથમાં એક બાળક હતું તે ચન્દ્રફૂલના જેવું નીરવ હતું.

વીણાએ વધારે કોમલ ને વધારે શોકગ્રસ્ત સૂર છેડ્યા. તારાભર્યું વ્યોમ વીંધીને કો સ્વર્ગસ્થ પ્રીતમનો આત્મા પૃથ્વીવાસિની પ્રિયતમાના ઉરમાં કંઈક પ્રેમગીત ગુંજારે એથી યે એ ગીત કોમળ ને કરૂણ હતું.

ફૂલોમાં થઈને તે સુન્દરી નદીતીરે ગઈ. ઉંચે પાંદડાંઓ પણ ત્ય્હારે માળાઓને વીંટી સ્થિર ઉભાં.

તે બોલી : ' મ્હારા આત્માની આંખ ! આભની વિશાળી શાખાઓ નીચે મ્હારે બીજું કોઈ નહોતું.'

અને તે માતાએ નિજના ન્હાનકડા બાળુડાના વદનફૂલડાને ચુંબન કીધું, પણ બાળકડાએ ગુલાબી સ્મિત ફરકીને ઉત્તર આપ્યો નહિ. આઘે આઘેના પ્રદેશોમાંથી ઉતરતા કો એક તેજકિરણે એના ગૌર બાળલલાટને તેજસ્વી કીધું.

માતાએ તે તેજકિરણ ચુમ્બી લીધું ને આત્માને તેજપૂર્ણ કીધો.

'મ્હારા હૈયાની કલા ! મ્હારા પ્રેમના છેલ્લા અંશ ! જા, ત્હારા પિતા પાસે પાંછું જા. '

તે માતા નદી ઉપર નમી. ત્હેના ટપકતા અશ્રુબિન્દુઓએ ઉંડા પ્રશાન્ત નદીજલની લહરીઓને જાગૃત કીધી.

૬૯