પૃષ્ઠ:Pankhadio.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની આંગળીઓ પાણીને અડકી. તત્ક્ષણ બાળકને પાછું ખેંચી લીધું ને નદીથી દૂર જઇને ઉભી. નદીનાં જળ ત્હેને મૃત્યુજળ જેવાં વિક્રાળ ભાસ્યાં. વાઘનાં મૃત્યુચ્છ્‌વાસની છાયા જલ ઉપર ડોલતી દીઠી.

'મ્હારે મૃત્યુમૂર્તિ ન્હોતી જોવી; માટે ચિતા તજી જળસમાધિ આપવા અંહી આવી. શું ? જ્ય્હાં ત્ય્હાં મૃત્યુ સન્મુખ ખડું છે ?'

મીંચાયેલી નયનકળીઓને માતાએ વળી વળીને ચુંબન કીધાં, ઉપર અશ્રુજલ છાંટ્યાં, ત્હો ય તે ઉઘડ્યાં નહિ. માતાની ઉછળતી છાતી ઉપર બાળકની સુવર્ણલટોમાંથી સરિતજલનાં બિન્દુ ટપકતાં હતાં. તે ત્ય્હાં જ સમાતાં ને માતાનું હૈયું ભીંજવતાં ને ભરતાં

વીણા વધારે ને વધારે સુકોમળ વાગતી.

'જા, મ્હારા વ્હાલા ! સ્વર્ગને બરણે ત્હારા પિતા ત્હારી વાટ જૂવે છે. '

ઘાસ ઉપરથી ઉઠીને ને નદીની કિનાર ઉપર આવી. મૃત્યુશામળી નદી વહતી હતી.

નદી ઉપર તે નમી. ક્ષિતિજપાળે કો વાદળી ઉપર ચન્દ્રકિરણો શુક્રતારાને ઝીલી રહ્યાં હોય એવા બાળકઝીલ્યા આરસહાથ માતાએ લંબાવ્યા. તે નમી ને વીણાનું રુદનગીત વન વીંધી વહી રહ્યું. નદી ઉપરની શામળી છાયાઓ યે ધ્રુજી ઉઠી ને આકાશોમાંથી સૂર્યે તેજ સમેટી લીધું.

વીણા ગીત ગાતી, પણ તારોનો સૂરસંવાદ ન હતો.

૭૦