પૃષ્ઠ:Pankhadio.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પાછી વળી-બાળક વિનાની માતા જળઓઘ ઉપરથી પાછી વળી. નીલઘેરા વૃક્ષના પોલા ઘુમ્મટથી ત્હેની દૃષ્ટિ ભરાઇ ગઇ. ત્હેની દૃષ્ટિશૂન્ય આંખો સૂરની સ્વરમૂર્તિઓ નિરખતી : એટલી સ્થિર અને એકાગ્ર એણે દૃષ્ટિ માંડી હતી. વીણાનો સ્વરભંગ અન્તરમાં અથડાતો, ન ગમતો; પણ તે જાણતી ન્હોતી કે શાથી.

આવતા કે જતા અગમ્યના ઓળા જેવાં વીણા ગીત ગાતી.

તે દૃષ્ટિ માંડી રહી : સોનવર્ણાં ઘાસ ને ત્હેમનાં ફૂલતારકો ઉપર થઈને દૂર-દૂરનાં વનમાં એ અનિમિષ દૃષ્ટિ માંડી રહી. પણ સ્વરભંગથી ભરેલા, વૃક્ષ નીચે લટકતા, ઘુમ્મટ વિના કાંઈ ત્હેણે દીઠું નહિ.

'એ તો ભ્રમણા ' કહી એણે મન વાળ્યું.

તે વિચારશૂન્ય હતી: એના અન્તર્‌જલમાંથી વિચારલહરીઓ આથમી ગઈ હતી. એનો આત્મા સૃષ્ટિનો ન્હોતો રહ્યો. ગીતની ગુફાઓમાં, વીણાના સ્વરખંડિત ગુંજારમાં તે વિચરતો. હૃદયભાવમાં તે જીવતી, પણ તે મહેલોમાં યે ચીરા પડ્યા હતા.

'પ્રિયે !' કહીને કોઈ બોલાવે છે એવું એણે સાંભળ્યું. આઘે-આઘેના અદ્રશ્ય સાગરના મર્મર જેવો એ ધ્વનિ આવતો, ને વીણાના સ્વરભંગમાં ભળી જતો.

એવે વેલીપડદાનાં પાંદડાંઓએ માર્ગ કીધો ને ઘાસનાં ફૂલડાં નમવા લાગ્યાં. દુનિયામાંથી નદી ભણી એક ગોપ આવતો હતો.

૭૧