પૃષ્ઠ:Pankhadio.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને અને વીણાગીતના ભાગ્યાતૂટ્યા માધુર્યને માતાએ દીઠાં. ત્હેનું હૃદય વધારે ભાગ્યું. પળે પળે તે વિવર્ણી થતી ગઈ.

વીણામાંથી વધારે સ્વરભંગ ઝરતો.

'અને અંહિયાં ય તે ?'

તે બોલી શકી નહિ. આભનાં ઉંડાણમાં નજર નાંખી ઉભી. પ્રિયની અદ્રશ્ય પ્રેમકાન્તિ જેવું સાન્ધ્યતેજ અન્તરિક્ષેથી ઉતરતું હતું.

પછી એને ક્રોધજ્વાળા પ્રગટી. બોલતાં વીજળી સમી તે ધ્રૂજતી.

'અને સ્વર્ગસ્થની પ્રિયતમા ઉપરનો, પારકી કુલવધૂનો ત્હમારો પ્રેમ લઈને ત્હમે અંહિયાં પણ આવ્યા ? અરે અંહિયાં -આપણ સહુનું બલિદાન લે છે એ નદીકાંઠે ? મ્હારી છેલ્લી ઉઘડતી આશા હમણાં એને મ્હેં આધીન કીધી ત્ય્હાં ? જગતની સ્મશાનભૂમિમાં ? આત્માની ચીતાને આરે ?'

માતાની આંખમાંથી કોપાશ્રુઓ ટપક્યાં. ઘાસની કુમળી રેખાઓને તે બાળી મૂકતાં, ધરતીને યે દઝાડતાં.

'નહિં-નહિ : અંહી હું પ્રેમથાળ લેઇને આવ્યો નથી-જો પ્રેમને ઉરમાંથી દૂર કરાતો હોય તો. એક અનાથ સુન્દરીને-એક અબાલ માતાને હું એટલું જ કહેવા આવ્યો છું કે પડતી રાત્રીમાં ત્હેનાં કો પ્રિયજન હજી છે. '

'મ્હારાં પ્રેમ ને આશાની મૃત્યુક્રિયા યે ત્હમે મ્હને એકાન્તમાં કરવા દીધી નહિ : આકાશોની પાર ત્હેના પિતા પાસે જતું ફૂલ ત્હમે મ્હને ભરી આંખે જોવા દીધું નહિ !'

૭૨