પૃષ્ઠ:Pankhadio.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કલ્યાણિની, ગંગાં મૈયા યુગ-યુગથી જય્હાં વહે છે એ જ એ વારાણસી.

હા, સંસારભારચંપાયાં ભારતવાસીઓનો વિસામો તે વારાણસી. પુણ્યની એ સૌન્દર્યવેલને તો ત્ય્હાં અદકેરાં અમૃત છંટાયાં.

ત્ય્હાં એનાં લગ્ન થયાં હતાં, ને ત્ય્હાં તે સાસરવાસે ગઇ હતી. શ્રી હરિને ત્ય્હાં લક્ષ્મીજી પધારે એમ એની આત્મલક્ષ્મી પતિને લક્ષ્મીધામે પધારી હતી.

વારાણસીના એક ધર્મનિષ્ઠ ને ધનાઢ્ય કુટુંબના પુત્રરત્ન સંગાથે એનાં લગ્ન થયાં હતાં: એટલે એ શીલમૂર્તિ સૌભાગ્યવતી એ જગત્‌તીર્થને ઉછંગે જઈ બેઠી હતી.

પણ મન્દાકિનીને આરે કલ્યાણક સુખભોગ તો દેવદેવીઓ ઘડીક જ માણે છે, ને પછી क्षीणे पुण्ये मृत्युलोके विशन्ति. એમ સુખભોગને સ્વર્ગઘાટે ઘડીક તે આવીને બેઠાં.

સુખ ને ધન તો સદાયનાં ચંચળ છે, ને આજે વીસમી સદ્દીમાં તો વિશેષત: કોઈના યે નથી રહ્યા, ને એના યે સુખના દિવસો સદાના ન રહ્યા.

દેશાવરમાં એના સસરાજી વ્હેપાર ખેડતા. વારાણસીના ચૌટામાં એમની ધન ને શાખ ભરી દુકાન હતી. વડલાની શાખાઓ જેવા એમના આડતિયા હતા; વડલાની ઘેર ગંભીર ઘટા સરિખડી-એમની પ્રતિષ્ઠા હતી.

વડલા નીચે મંડાયેલી પરબ જેવી એમના યે સદાવ્રતની ધર્મપરબ હતી.

૧૧૩