પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




બંદૂકો આવી ને બહાદુરો રડ્યા.

બીજી પોથી ઉઘાડું છું અને ચક્ષુ સમીપ ખડો થાય છે એક કદાવર આદમીઃ વાને નાગર જેવો ઊજળો, ભરાવદાર કાળી મૂછ દાઢી, અંબાઈ લીલા રંગની સુરવાળ અને પહેરણ. મુખમુદ્રા પર કુમાશ છતાં ધંધો કરડાઇનો, વ્યવસાય જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ. છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ કંઠ સંઘરાયો છે.

રાણા આલા મલેક

એનું નામ રાણા આલા મલેક. '૨૬ ની સાલ હશે. બહારવટિયાનું સંશોધન ચાલતું હોવું જોઈએ. એક દિવસ જામનગર રાજ્યના મહાલ લાલપુરથી પતું આવ્યું: 'અમારી પાસે બહારવટાની, વાઘેરોની, રાયદે બૂચડની ઘણી ઘણી પાયાદાર વાતો છે. કહો તો મોકલી આપું. હું પોતે એજન્સી પોલીસની ઘણા વર્ષ નોકરી કરી આવ્યો છું. ઘણા બહારવટિયાનાં ધીંગાણામાં કામ કર્યું છે. હાલમાં એજન્સીનું પેન્શન લઈ આંહી રાજ્યમાં ફોજદાર છું.' લી. તાબેદાર જત રાણા આલા મલેક.

સૂમને સોનાના ચરૂની ખબર મળે જેને ઝડપે દોટ કાઢે તે ઝડપે હું ટ્રેન પકડી લાલપુર પહોચ્યો . કડકડતા શિયાળાની સવારે, ગર્જનાભેર વહેતી નદીની ભેખડ પર આવેલા એ પોલીસથાણામાં જઈને એ કદાવર આદમીને મળયો. પહેલી જ વાત એ કરી કે 'તમે મારા 'તાબેદાર રાણા આલા' નહિ પણ કાકા થાઓ. શું સગપણે? એજન્સી પોલીસને સંબંધે. મારા પિતા ને તમે બેઉ એજન્સી પિલીસની સ્થાપના પછી પહેલી ભારતીના સંબંધ-ભાઇઓ.