પૃષ્ઠ:Parkamma.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
 


 ગતિને યાદ કરાવતું પાનું ઊઘડી પડે છે. લખ્યું છે– ‘ભૂચર મોરી.’ મારી ‘સમરાંગણ’ નામની મોટી વાર્તાનો જે મધપૂડો રચાયો તેનું પ્રથમ મધુબિન્દુ મૂકનાર એ કોણ હતું ? નામ નથી. મિતિ કે કામ નથી. અન્વેષક ત્યારે અડબંગ હતો ! યાદ આવે છે. યાદ આવે છે – જીજી બારોટ. એને લઈને છેક બરડા પ્રદેશથી તે કાળના અમલદાર મિત્ર ભાઈશ્રી મોહનલાલ રૂપાણી આવેલા. યાદ આવે છે મીઠું મોં, મીઠપભરી બારોટ–જબાન, હસમુખો ચહેરો. ટાંચણ આમ છે –

“જેસા વજીરની વહુ : થાન લબડે: લૂગડાં ધોવામાં અડચણ : થાન ખંભે નાખેલ : નાગડો ધાવે પાછળ ઊભો ઊભો.

“જામ :−જેસા ડાડા ! હી જોરાર કીંજે ઘરજી હુંદી !
(તૂટેલ આઉવાળી ભેંસ–ગાય ‘જોરાળ’ કહેવાય.)

“જેસો :−અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.”
(એના જે ઘા થાય તે આગળ નિહાળજો.)

પછી તો દુહા ટાંકેલ છે. ઉપલું ટાંચણ જે માર્મિકતાથી ભરેલ છે તેને વાંચકો નહિ સમજે. પણ મારી નજરે તો એ બનાવ હજી યે બની રહેલો, ચાલુ સ્થિતિમાં, એક સોરઠી નદીને આરે, દેખાયા કરે છે. મારી ‘સમરાંગણ’ની આખી ય વાર્તામાં એ એક જ પ્રસંગે બળ પૂર્યું. સૌરાષ્ટ્રમાં શહેનશાહ અકબરશાહની મોકલેલ સૌપહેલી ચઢાઇ; અને અમદાવાદના અકબરશત્રુ શાહ મુઝફ્ફર નહનુના આશ્રયદાતા સોરઠી ઠાકોરો સાથે એ અકબર–ફોજના ભયાનક જુદ્ધનું નામ ભૂચર મોરીની લડાઇ. ભૂચર મોરી : કોઇ મહાકાવ્ય મહાગાથાને દિપાવે તેવો મામલો : અને એમાં નાયકપદે મૂકી શકાય તેવા સુરાપરા લાડકપુત્ર નાગડા વજીર નામના જે જુવાન પાત્રની માવજત મેં ‘સમરાંગણ’માં ઊઘડતા પાનાથી માંડીને કરી છે, તે પાત્રનું પ્રથમ બીજારોપણ મારી કલ્પનામાં ઉપલા કચ્છી શબ્દો વડે મૂકીને જીજી બારોટ ચાલ્યા ગયા.