પૃષ્ઠ:Parkamma.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરકમ્મા :
 

 જીજી બારોટને શામાટે આટલા જલદી વળાવી દીધા ? એક તરફથી અખબારના સંપાદનમાં પૂરો સમય આપવો પડતો. બીજી તરફથી છાપાંકામ જેને ભાગ્યે જ પુષ્ટ કરી શકે છે – બલકે હણી નાખે છે – તેવો આ લોકવિદ્યાનો સર્વદેશીય રસ કેળવવાનો હતો. મારો રસ હજુ એક જ પ્રકારની વાર્તાઓમાં નીપજ્યો હતો. ખબર નહોતી કે આ બારોટો ચારણો જે કંઈ અગમનિગમની અડબંગ વાતું કરે તે પણ ભાવિમાં ખપ લાગશે. જીજી બારોટની વધુ વાતો નીરસ લાગી. એમને શ્વાસ ખાવા યે વખત આપ્યા વગર સામગ્રી નિચોવી લેવી હતી ! એની સાથે તો મહોબ્બત કેળવવી પડે એ ચાવી માલૂમ નહોતી. આજે ઓરતો થાય છે, કે જેણે કોઇ પણ ગ્રંથમાં કદાપિ ન મળે એવી આ નાગડા વીરની બાલ્યાવસ્થાની વિચિત્રતાની અને સ્તનો પાછળ નાખીને ધવરાવનારી જનેતાની વાત કરી, તે બારોટ એવાં બીજાં પણ ઘણો રહસ્યો આપી શક્યા હોત. જીજી બારોટો વારંવાર ભેટતા નથી. એકવાર ઝબૂકી ગયા પછી કેટલા ય દીવા કાયમને માટે બુઝાઈ જાય છે.

વાર્તાકથનની તાલીમ

આગળ ઊથલો પાનાં ! – ને ટાંચણ આવે છે વાર્તાકથન માટેની તૈયારીનું. વાર્તાઓ તો હું યે માંડતો, એની કહેણી મનમાં ગોઠવતો. દાખલા તરીકે ‘માત્રા વરૂ ને જાલમસંગ’ વાળી સોરઠી પ્રેમશૌર્યવંતોની વિલક્ષણ ભાઇબંધીની વાત (રસધાર ભાગ ૧) કહેવી છે. કચ્છ દેશના એક વીરને વર્ણવવો છે – તો એમાં શરૂઆતમાં આવે એ દેશનું કાવ્ય–વર્ણન : સંભારો કચ્છના દુહા :

ભુજ નગર ને કચ્છ ધરા
નૈ પીંગળરો પાર,
રા’ દેવળનાં રાજ છે,
ચાલો જોયેં ચાર.

ભલ ઘોડા, કાઠી ભલા,
પેનીઢંક પેરવેશ;