પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
પરકમ્મા :
 


 એકલિયો પાછળ ને પાછળ ખસતો જાય. મનમાં એમ કે ભગવતસિંહનો દારૂગોળો ખૂટે તો ભેળાં કરું. ધકમક ધકમક થાતું જાય. આઘો નીકળી ગયો. પાછળ અવાજ આવતા બંધ થયા. એમાં ઘાટાં ઝાડ, કજાડી જમીન, નેરૂં ખળક્યે જાય, અને ઘટાટોપ વડ, એવી જગ્યા દેખી મન થયું કે માળું નાઈએં તો ઠીક,

પડખે ભરવાડ ગાડર ચારે. કહ્યું કે ‘એલા વડ માથે ચડીને ખબર રાખ, કોઈ અસવાર આવે છે ?’

નાઈને બહાર નીકળ્યો ને અસવાર નજીક આવ્યા ત્યારે પછી ભરવાડે ખબર દીધા.

એકલિયો એકલી સૂરવાળ પહેરીને ઘોડીએ ચડ્યો, ભાગ્યો. ભગવતસિંહે બંધૂક મારી, બરાબર એકલિયાના પગનું બૂચ તોડીને ગોળી ઘોડી સોંસરવી ગઈ. પછી ઘોડી ચાલી ન શકી.

કૂદીને એકલિયે સંધી માથે ઘા કર્યો. હેઠો ઉથલાવીને એની ઘોડી માથે ચડી ગયો ને હાંકી. ભગવતસિંહે બંદૂકને ફરી કેપ ચડાવ્યો, પણ કેપ પડી ગયો. આંહીં એકલિયો હાંકે પણ ઘોડી ચાલે નહિ. પગ બંધાઈ ગયા. ઊતર્યો હેઠે, વળ્યો પાછો, બીજા સંધી માથે ઝાવું કર્યું. એની ઘોડી પર ગયો ને ભાગ્યો. એમાં પોતાની બંદૂક વડલે પડી રહી.

*

નવાણીએ પહોંચ્યો. પગનું બૂચ તૂટી ગયેલ, તરવાર નાખી દીધેલ. ફક્ત એક ભાલો હતો.

દરબાર લોમોવાળો બેઠેલ, ઓળખ્યો, ‘આવે વેશે કેમ પના ?’

કે ‘લૂગડાં મગાવી દ્યો. રોટલો ને ગળ લાવો.’

દેવળિયે પાલાવા વોંકળામાં વાઘરીઓના વાડામાં રહ્યો. પાટાપીંડી, ને ખાવાનું રાણીંગવાળો મોકલે. લૂણો ધાધલ રોજ બેસવા જાય.