પૃષ્ઠ:Parkamma.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૪૧
 

 પણ રાણીંગવાળો, જે આજ સુધી એકલિયાને સંઘરનાર હતો, તેને જ બીક લાગી પોતાનાં નાણાંની. એના કહેવાથી ગોરખે ગીડે જસદણમાં જાહેર કર્યું. એકલિયો ભાગી ન જાય એટલા માટે બ્રાહ્મણ લવા મહારાજનો ભાઇ પાલાવે વોંકળે જઇને ત્યાં વાતચીતો કરી સુવાણ કરાવે. એ બ્રાહ્મણે કહ્યું કે પરમ દિવસ સુધી તો હું વાતોના રસમાં ને રસમાં રોકી રાખીશ.

ત્રીજે દિવસે સવારે બે પહોર દિવસ ચડતાં વોંકળાને કાંઠે ઊભેલા વાઘરીએ રાડ પાડી કે ‘પુનરવ ભા, અસવાર આવે છે. ભાલાં ઝળકે છે, ભાગો.’

‘ભાગી તો રિયા હવે. ભાગવું લખ્યું હોત તો આજ રોકાણ જ શીદ કરત ?’

એટલું કહીને એકલિયો પોતાના વાતડાહ્યા વિશ્વાસુ બ્રાહ્મણ ભાઈબંધ સામે નજર નોંધી : ‘ભરડા ! ખૂટ્યો કે?’

બ્રાહ્મણને મોઢે મશ ઢળી ગઈ

પોતાની આંગળીમાં ચૌદ ગદીઆણાનો હેમનો ફેરવો હતો તે કાઢીને બ્રાહ્મણને કહ્યું : ‘એક અડબોત ભેળો તારા પ્રાણ કાઢી નાખી શકું. પણ હું એકલિયો. મારું મરણુટાણું ન બગાડું. આ લે આ દક્ષિણા અને માંડ ભાગવા. હમણાં અહીં ગોળીઉની પ્રાછટ બોલશે.’

ફેરવો લઇને બ્રાહ્મણ વહેતો થયો અને બીજી બાજુ ગામમાંથી લુણો ધાધલ નામનો કાઠી એકલિયાને હોકો પીવરાવવા આવતો હતો તે પણ બીકનો માર્યો ઝાળાં આડો છુપાઈને બેસી ગયો. એણે કનોકન વાત સાંભળી.

વાઘરી કહે, ‘બાપુ, હાલો. હજી ગામમાં જવાનો વખત છે.’

‘અરે હરિ હરિ કરે ભાઈ, હું એકલિયો હવે ભાગું ?’

હથિયારમાં ફક્ત એક ભાલું જ હતું તે ઉપાડીને એકલિયો ઊભો