પૃષ્ઠ:Parkamma.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૭૭
 



જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા : મારે ને બહારવટીઆને જાણે કે ઘડી બે ઘડીનું જ છેટું પડ્યું હતું.

અસ્થિઓ વીણ્યાં છે

સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો વાચકો ! ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે ! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટીઆનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વ કોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલે કેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા–તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બજરંગ નાગર, સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સુરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ–નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું, આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો.

ખેર ! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટીઓ એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. *[૧]