પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કર્યો તે વખતે તેમણે આવીને જાલમસિંગજીને કહ્યું કે ‘ચાલો, તમને બેટની ગાદી અપાવીએ. એમાં રાતના ભવાયા રમે. વાઘેરો જોવા ગયા. એટલે જાલમસિંગજી, પૂજોજી વગેરે ભાગીને નગર ચાલ્યા ગયા.

‘આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું પંદર વર્ષની હતી. પરણીને આવ્યાં બેજ વર્ષ થયા હતા. મેડી ઉપર ઊભી રહીને હું લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી.

‘અમે તો ટાંકાની અંદર પડીને મરી જવાનું નક્કી પણ કરેલું (કારણ? કારણ કે ગોરા ઊતરીને શું ન કરે !) પણ નાગરેચી (કચ્છ)થી જાલમસંગજીના સસરા ચાંદોભાઈ, દીકરીના સમાચાર પહોંચી જવાથી આવી પહોંચ્યા. સરકારને ખબર દઈ કહેવરાવ્યું કે આવીને વાવટો ચડાવી જાવ ! પછી માંડવી બંદરનું એક ભાંગલ વહાણ જે સમું થવા અહીં આરંભડે આવેલ તેમાં અમને બેસારીને લઈ ગયા. વહાણ ભાંગલું હતું, વચ્ચે વહાણમાં પાણી ભરાણું, તોફાન ઊપડ્યું, પણ ખારવાઓએ અમને બચાવ્યા. બે છોકરાં મરી ગયાં.’

સામે જ દેખાતા બેટ શંખોદ્વાર પરનો અંગ્રેજ–વાઘેર સંગ્રામ જેણે મેડીએ ચડીને નજરોનજર જોયો હતો, જેવાં સાહેદની આ પ્રાપ્તિ વિરલ કહેવાય. એ બન્ને સીધા સાહેદો આ જગતને છોડી ગયાં છે. મને સંતાપ થાય છે કે હું આ દાદીમા અને રતનશીભાની પાસે વધુ દિવસે કેમ ન રોકાયો ! પ્રશ્નો પૂછી પૂછી અન્યથા અપ્રાપ્ય એવી હકીકતો હું કઢાવી શક્યો હોત. પણ આપણાં જીવનમાં ઘર નામે એક બંદીખાનું છે. ઘરસંસાર એ એક સોનાની શૃંખલા છે. ગળામાં એક રસી પડી છે. રસીનો એક છેડો પકડીને ગૃહજીવનને મોહાસૂર બેઠો છે. જરાક દૂર જાઓ ત્યાં રસી ખેંચાય છે. સ્વ. ટાગોર જેને ‘ઘરછાડા’ કહી ઓળખાવે છે તે બન્યા વિના સાહસ શું ? સાહિત્યનું સર્જન શું ?

આ ‘ઘરછાડા’ સાહસબુદ્ધિની શું એકલા વેપારમાં, ઉદ્યોગમાં કે