પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરકમ્માનો પહેલો પોરો

કડીનો મલ્હારરાવ

યુરોપના અનેક દેશોમાંથી નાસતા બળવાખોરો બ્રિટનને ખોળે શરણું મેળવતા. સોરઠદેશે પણ મહાન રાજસત્તાઓના બહારવટીઆને ઓશીકું આપ્યું કહેવાય છે. મુગલ શાહજાદા દારા શિકોહને કરાળકાળ આલમગીરથી સંઘરનારો મીતીઆળાનો કિલ્લો આજે ઊભો છે. દારાએ શસ્ત્રો ઘડવા ત્યાં લોઢાં ગાળ્યાં હતાં તેવું ત્યાંનાં લોકો, હજીયે ખેદાઈ નીકળતો ખેરીચો બતાવીને બોલે છે. સમ્રાટ અકબરશાહનો બળવાખોર ગુજરાતનો છેલ્લો સુલતાન વીર નહનૂ મુઝફ્ફર પણ સોરઠમાં જ સંઘરાયો અને એને ખાતર ભૂચર મોરીના ભયાનક સંગ્રામમાં કાઠિયાવાડના કલૈયા રાજપુત્રો ને બુજરગો તોપે ફૂંકાયા. એવો ત્રીજો બંડખોર હતો કડીનો મલ્હારરાવ. મૂળ તો ગાયકવાડ કુળનો જ કુમાર. કડી પર સૂબાગીરી લઈને આવ્યો. પ્રજાને સુખી કરતો ને પોતે રંગરાગ માણતો. એવો તો બળવાન બની બેઠો કે વડોદરાને ‘ફિરંગીની ફોજ’ લઈ કડી પર ઊતરવું પડ્યું. વિક્રમશાળી મલ્હારરાવ જુદ્ધમાં દીપતો છેવટે નાઠો અને સોરઠદેશમાં ઊતર્યો તેની એક સાહેદી મારા ટાંચણમાં પડી છે:—

‘કળમોદર ને કોટીલું બે ગામ : તેના ધણી ઓધડ ને માત્રો : જખ્મીનો મલ્હારરાવ પાલખીમાં : પાલખીને ભોઇ ઉપાડ્યે આવે : વાંસે વિઠોબાની ફોજ.