પૃષ્ઠ:Parkamma.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૨૧
 

 ફૂલવંતી તો ચાલી ગઈ. રીસાળુ કુમારે એને જીવતી જવા દીધી ! ક્યાં ગઈ ? ક્યાં રઝળી હશે ? જોબનના એ નિચોડ કઈ ભૂમિમાં છંટાયા હશે ?

બેઠી હતી – એક રબારણ યુવતી. મારે મન તો એ ફૂલવંતી જ બેઠી હતી. એકલદંડીઆની છાયામાં એ બેઠી હતી. એનું મોં આજે યાદ નથી. રબારણનાં દૂધમલ રૂપ આજે રોળાતાં રોળાતાં પણ કાઠિયાવાડને ભીંજવે છે.

ઘોડાં

જેવી ફૂલવંતી, તેવી જ ફૂલમાળ : ફૂલમાળ એ તો પાંચાળની કાઠી ઘોડી. એ પાંચાળ–પુત્રીઓની પિછાન વગર લોકસાહિત્યનો પટ ખેડાય નહિ. ટાંચણનું નવું પાનું એના ટૂંકા કીર્તિલેખે અંકિત છે—

‘કાંથડભાઈના પિતા દાદાભાઇની લખી જાતની ઘોડી : ગામતરામાં દરબારને વાય આવે : તરત લખી બેસી જાય : દરબારને ભોંય પર સુવાડી દે : આસપાસ કુંડાળું ફર્યા જ કરે.’

‘ચાંગી ચોટીલાની. ફૂલમાળ રાતડકાની. લખી ને કેસર ભીમોરાની.'

‘નાજા ખાચર : ચોટીલાના અને ચોરવાણના ડુંગર વચ્ચે જામની સાથે લડાઈ કરી. ઘોડી ગોળીએ વિંધાણી. આંતરડાં લબડતાં આવે. કુંઢડાના વોંકળા સુધી લઈ આવી. નીચે ઊતર્યા ત્યારે પડી.’

પ્રતાપ રાણાનો ચિતોડીઓ ચેતક ઇતિહાસ–પાને ઉજ્જવળ છે. સોરઠમાં વોંકળે વોંકળે ચેતક–જનેતાઓના આવા મૂંગા કીર્તિ લેખ લોકમુખે ઊભા છે. ભીમોરાની લડાઇની વાર્તા તો મેં લખ્યાને પણ એ વખતે ચાર વર્ષ થયાં હતાં. આ પ્રવાસમાં એનો એક બાકી રહી ગયેલો સોનાનો ટુકડો સાંપડ્યો ટાંચણ બોલે છે કે—

‘ભીમોરાની લડાઇ વખતે જસદણનો શેલો ખાચર મરાઠા બાબારાવની ફોજને લઈને આવેલ છે. નાજો ખાચર ભીમોરાના ગઢની અંદર આઠ દિવસ અન્નજળ વગરના ખેંચ્યા પછી કેસરીઆંની છેલ્લી પળે પોતાની કેસર જાતની