પૃષ્ઠ:Parkamma.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટાંચણનાં પાનાં
૨૩
 

 ગળે પડતી મારા પંજાની થબડાટીનો પોતાની બંકી ગરદન વડે જ મુંગો પ્રત્યુપકારભાવ પ્રકટ કરતી, કાનસોરીના ડાબાજમણા ઘૂમટા કાઢ્યે જતી એ ઘોડી પણ આજ હૃદયને ખીલે બાંધેલ છે.

માનવીનાં શીલ

ઘોડાંનાં યે શીલ હતાં. ઓલાદનું ઓઢણું હતું. એની વચ્ચે જીવનારા માનવીને યે શીલ પ્રાણ સાટે હતાં. એ માનવી નહોતાં પ્રાચીન, નહોતાં પ્રાગૈતિહાસિક, નહોતાં મધ્યયુગી. એ તો જીવતાં અર્વાચીનતાને ટીંબે. પાનું ફરે છે, ને પાંચાળના એક ‘લખમણ જતિ’ના બિરદ–દુહા ટપકાવેલા જોઉં છું. ભીમોરાનો ઓઢો ખાચર. નાડીનો સાબૂત આદમી : नाऽहं जानामि केयुरं, नाऽहं जानामि कंकणं, नूपुरं चैव जानामि नित्यं पदाभिवंदनात् ॥ એવો ભોજાઈ જાનકીના પગ સિવાયના કોઇ અંગને ન ઓળખનારો લક્ષ્મણ સંસારી છતાંયે લોકજીભે જતિ વદાયો, ને એ જતિબિરદ સાચા શીલવંતાઓને ચડતાં આવ્યાં છે. ‘એની તો નાડી ધોયે આડાં ભાંગે’ એ લોક–કહેણી એવા શીલવંતાઓ માટે યોજાય છે. ઓઢા ખાચરની નાડી ધોઇને સગર્ભાને પવાતાં આડા ગર્ભ સવળા બનતા તેની બિરદાવળના ટપકાવેલા દુહા છે.

‘હે નાડી હમીરરા !
વૈદક હોડ વદાં,
‘પીધે પાવરરા !
આડાં ભાંગે ઓઢીઆ !

(હે હમીરના પુત્ર ! તારી તો નાડી એવી છે કે હું વૈદક સામે હોડ વદી શકું, વૈદકની દવા પીધે જે આડા ગર્ભ સવળા ન થાય તે તારી નાડીને પલાળીને પીવાથી થાય.)

‘સુંદરને બાળક સમે,
કસર દિયે કરતાર !
‘એનો તે ઉગાર,
આવત નાડી ઓઢીઆ.