પૃષ્ઠ:Parkamma.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૩૩
 


દાર્શનિક જેઠા રામનો

‘સજણાં’નાં પ્રેમ–મૌક્તિકો : અને એની પડખોપડખ રામસીતાનાં વિરહ–મૌક્તિકો : મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ છ પંક્તિના ટુકડા–

મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના શામ;
હંસલા વન્ય સ્રોવર સૂનું ગુણિયલ વન્ય સૂનું ગામ;

ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ !
મનખોપદારથ નૈ આવે ફરી.

ગઇ સીતા ને રામચંદર રો ના !
જેઠો રામને કે’ ગરના ડુંગર મોર વિણ સૂના

પતિ-પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે–

લોઢું ગળ્ય લંકાના રાજા ! જીરવ્યું કેમ જાશે !
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે;

ઉમ્મર ઓછી થાય તે સૈ
ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ !

મેલ્ય મારગ ને ખોલ દરવાજા;
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા !

‘લોઢું મ ગળ્ય !’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહિ ?

આ જેઠો કવિ બીચારો કોઢથી પિડાતો હોવો જોઇએ–

જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ;
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ;

લોઢ વળ્યો કેયીંક્યાં ?
દાતાર પર જમિયલની કચેરી ત્યાં.