પૃષ્ઠ:Parkamma.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
પરકમ્મા :
 

 પકડનારનો પ્રણય સ્વીકારતાં દેખું છું. ગ્રીસ દેશની સૌદર્યદેવી જેવી કોઈ દેવસુંદરી હશે ? કે ઓઢાને પરણનાર હોથલ જેવી અપ્સરા હશે ? નાનાં બાળ સાથેનાં લગ્ન, એ પણ આગમવાણીના વિખ્યાત સેરઠી સંત દેવાઈત પંડિતની વાતમાં નિહાળેલ છે.

ગોખેથી હાથ લંબાવી હાથીની ઝપટમાંથી કુંવરોને ઝાલ્યા, તે તો ઝાલા વંશની આદિજનની, હરપાળ મકવાણાની ઘરવાળી ‘શકિત’ની લોકકથામાં આવે છે.

માનવી શા માટે ગમે

ગોધરાની વાતમાં અધિકતા તો એક : કે દેવીઓ પણ માનવીસું પ્રણય, જોડે એની કાવ્યકલ્પના આ દેવીભક્ત દેશનાં માનવીને પણ આવતી અને ગમતી. એય આખરે તો સ્ત્રીઓ છે. પ્રણયની જંખના એમની પ્રકૃતિમાં હોવી જોઈએ. સ્વર્ગના ઊર્મિવિહીન અને કેવળ એકલા અવિરામ આનંદ જ કરી જાણતા જડસુ દેવતા પુરુષોનો દેવીઓને કંટાળો આવે, દેવીઓને વિધવિધ ઊર્મિઆવેશોથી ધબકારા મારતું, પ્રણયપ્રાપ્તિ માટે તલસી શકતું, અને તે કાજે મરવાય તત્પર થતું, વિરહમાં ઝૂરતું અને સંયોગમાં રસોર્મિથી ભિજાતું એવું મરતલોકનું માનવી ગમે, એ સ્વાભાવિક છે.

કુંવારી ધરતી પર ઝાપટાં

ગોધરાની માનસયાત્રાની વિદાય લેતો, આજે વેરવિખેર પડેલાં એ ભટ્ટ સાહેબનાં પુત્રપુત્રીઓને સ્મરણમાં એકઠાં કરતો, અને તેમાંનાં જગત છોડી ગયેલાઓમાંથી રૂપી મેરાણીનું કથાનક તેમ જ એની આકૃતિનું ‘મોડેલ’ પૂરું પાડતાં કુમુદબહેનને અંજલિ આપતો હું પાનું ફેરવું છું ત્યાં તો કુંવારી ધસ્તી પર પહેલાં મેઘઝાપટાં પડે તેવી મીઠપથી તે કાળે મનોભૂ પર વરસેલા નાનકડાં બે લોકગીતો ટાંચણમાં નજરે ચડે છે—