પૃષ્ઠ:Parkamma.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
પરકમ્મા :
 

 એ ગીતનું ટાંચણ મારી ઉમ્મરનાં અઢાર વર્ષોનો પરદો ઊંચકે છે અને મને સ્મરાવે છે : મારી લગ્નચોરીનું ધામ જેતપુર, ભેખડાળી ભાદર : મારી રસધારના વીર ચાંપરાજની બારી : ટ્રેનમાંથી ઊતરી અધ રાતે જઈ ઊભો રહું ત્યારે ઉઘાડી ડેલીમાં બેઠું બેઠું બે ધીરા વિશ્રભ્મટૌકા કરતું શિવલાલભાઈ–સાંકળીબાઈનું નિત્યનવરસવંતું પ્રૌઢ–જોડલું : મારા માટે ટાણું કટાણું કદી ન વિચારતો એ યુગલનો સત્કાર : શરમીંદા મહેમાનની સાંપટ સમજતી ગૃહિણીએ ડેલીએ આણીને પીરસેલ બાજરાના પાતલા રોટલા પર ઘીના દડબાનું વાળુ : અને પછી તો અણખૂટ વાત–ધારા. લેણાદેવી પણ પૂરી હતી ના ! ખાદીધારી, રેટિંયો કાંતતા, પાકા સ્વમાની અને ડાંખરા શિવલાલ ગોસળિયા વર્ષો સુધી જેમને કલેજે ખટકતા હતા તેમણે છેવટે એની ’૩૦ વર્ષની જબ્બર નોકરીને એક ઝટકે ખૂંચવી લીધી-કારણ કે અમને ’૩૦ના બેએક રાજકેદીઓને પોતે સાબરમતી જેલે માત્ર વ્યવહારના કામસર પાંચ મિનિટ મળવા આવ્યા હતા ! જરાક દિલગીરી દેખાડે એટલી જ હાકેમોને રાહ હતી — જરાક જ દિલગીરી ! પણ આખા શરીરમાં નાક હમેશાં ‘જરાક’ જ હોય છે ખરું ને ! શિવલાલભાઇ નાક સથુકા જ સંસાર છોડી ગયા.

સ્વ. લાખાજીરાજ

’૨૨ થી ’૩ર લગીના એક દાયકાનાં સ્મરણોને સંઘરતો એ ચાકરી-ગીતનો ખાંભો વટાવું છું, સ્વ. રાજકોટપતિ લાખાજીરાજનાં સ્મરણ-પાનાંને ઝડપે વટાવવા વિચારું છું, વિચાર અટકે છે, ને ટાંચણ-પાનાં પ્રશ્ન કરે છે ? ‘અમે પણ શું તારા સાહિત્યરસનાં છૂપાં પોષકો નથી બન્યાં ? ’૨૬ કે ’૨૭માં તું રાજકોટ પ્રજાપ્રતિનિધિ સભામાં તાવભર્યો આવ્યો હતો, ને તેં ત્રણ દિવસ સુધી જે જોયું સાંભળ્યું તેમજ જાણ્યું હતું તેનું આ ટાંચણ શું તારા સાહિત્યરસનું વિઘાતક હતું ?