પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંજરીનું લગ્નઃ ૯૫
 

સનાતનમાં ભરાઈ રહ્યો છે. પણ બહેન ! પરદેશીઓનો ભરોંસો નહિ.'

'મને તો બહેન ! કોઈનોય ભરોંસો નથી.' મંજરીએ જવાબ આપ્યો.

'હું નહોતી કહેતી ? હવે એ સનાતન મુંબઈના એક શેઠને ત્યાં રહ્યો છે. હોંશિયાર છે એટલે બધું હાથ કરીને બેઠો છે. શેઠની વહુ પણ.'

'મારે એ બધું નથી સાંભળવું ! જેને જે ફાવે તે કરે !' મંજરીએ કંટાળો બતાવતાં કહ્યું.

'સનાતનને તારી દરકાર નથી, એ શું કરે છે અને શું કરશે એ કોઈ જાણતું નથી. ગમે તેવી સોબતમાં રખડે છે. અને હાલ તો પેલા શેઠની વહુ સાથે એ પણ વગોવાય છે. એની આશા મૂકી દે. પેલા બિચારા વ્યોમેશચંદ્ર...'

એ વાક્ય માલતી પૂરું કરે તે પહેલાં તો વ્યોમેશચંદ્રની નાની બાળકી વેલી પાછી મંજરીને ખોળતી ખોળતી ઉપર ચઢી આવી.

'હું તો પાછી આવી !' પાછા આવવાનું કારણ કહેવાને બદલે વેલીએ પાછા આવ્યાની હકીકત જ કહી સંભળાવી મંજરીની પાસે જઈ તે બેસી ગઈ. મંજરીને આ છોકરી ઉપર ઉમળકો આવ્યો. તેણે તેને પાસે લઈ ખોળામાં બેસાડી.

માલતીને પેલું અધૂરું વાક્ય પૂરું કરવાની જરૂર જણાઈ નહિ. વ્યોમેશચંદ્રની છોકરીને આટલા બધા વહાલથી પોતાની પાસે મંજરીએ લીધી એ તેને માટે પૂરતું સૂચક હતું. તે સમજી ગઈ. અને થોડી વારે નીચે જઈ તેણે નંદકુંવરને જણાવ્યું કે વ્યોમેશચંદ્રની સાથે મંજરીનાં લગ્ન થશે તો એમાં મંજરીનો વાંધો હશે જ નહિ. મંજરી જોકે મોઢે કદાચ નહિ કહે પરંતુ એને એ વાત અણગમતી તો નથી જ એની ખાતરી માલતીએ આપી.

નંદકુંવર ખુશ થયાં. દીનાનાથને પણ તે વાત જણાવી. હિંદુ સંસારમાં કન્યાઓની મરજી નામરજી જાણવાનું સાધન કન્યાઓની સખીઓ જ હોય છે. માતાપિતાને તો કોઈ જાતનો વાંધો હતો જ નહિ. પોતાની વેચાઈ ગયેલી ઘણી મિલકત પોતાની જ દીકરીને વાપરવાનો પ્રસંગ આવશે એ તેમની મોટામાં મોટી ખુશાલી હતી. બીજો કાંઈ વાંધો નહોતો. છોકરી સુખી થશે, અને સારા માણસની સાથે તેનું ભાગ્ય જોડાશે એ વ્યવહારદૃષ્ટિ માતપિતા માટે બસ હતી.

મંજરીને હવે પૂછવાની જરૂર રહી નહોતી. વ્યોમેશચંદ્ર તરફ તેમણે માગું મોકલાવ્યું. અણધારી રીતે પોતાની ઈચ્છા પૂર્ણ થતી જોનારનો કેવો આનંદ થાય છે તે સામાન્ય સમજની બહાર છે. વ્યોમેશચંદ્રના આનંદનો