પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
પૈસાની શોધ

સોનું ધન, ધન રૂપું હો અબધૂત !
હીરા મોતી ઝવેર !
નાનાલાલ

લક્ષાધિપતિ થવાનો નિશ્ચય કરી મુંબઈ રહેવા ગયેલા સનાતનને પતિત સ્ત્રીઓ માટે સ્થાપેલા આશ્રમને સેવવો પડશે એમ કોણે ધાર્યું હશે ? પોતાની વિદ્વત્તા અને બુદ્ધિની ભારે કિંમત આપીને પણ તેમનો ઉપયોગ કરવા માટે જગત આતુરતાથી રાહ જોતું બેઠું હશે એમ દ્રઢતાથી માનતા સનાતને જોયું કે તેની વિદ્વત્તા અને બુદ્ધિની માગણી કર્યા સિવાય જગત બહુ જ આનંદથી પોતાનો માર્ગ કાપ્યે જતું હતું. લાખો રૂપિયા મંજરીને ચરણે ધરી તેને લાયક નીવડવાનો નિશ્ચય કરનાર સનાતન લફંગા અને વિષયી સ્ત્રી-પુરુષોના મહોલ્લામાં એક અજાણ્યા બદમાશનો ઘા સહન કરવાને સર્જાયો હશે એમ તેના સ્વપ્નમાં પણ નહિ આવ્યું હોય.

મંજરી તેને હવે ઘણી યાદ આવવા લાગી. બુલબુલનું ગાન તેને મંજરીના અવાજનું ભાન કરાવતું. તે જાતે અંધ બુલબુલની પાસે બેસી ગાન શીખતો; સંગીતનો આનંદ અનુભવતો; અને ધીમે ધીમે રાગતાલની બારીકી અને ઝીણવટભરેલી ખૂબીઓ સમજવા મથતો.

તેનો ઘા હવે તદન રુઝાઈ ગયો હતો. બુલબુલ પાસેથી પૂર્વ રાગની એક ચીજ શીખી તેને રટતો તે એકલો એક દિવસ બેઠો હતો, અને અચાનક ચિતરંજને આવી અંદર પ્રવેશ કર્યો.

ચિતરંજને સહજ નિઃશ્વાસ નાખ્યો. ભાગ્યે જ દિલગીરીને વશ થતા આ મહાઆનંદી પુરુષે તરત જ સનાતનને ખભે હાથ મૂક્યો અને એકાએક તેના તરફ જોતાં સનાતને ગાવું બંધ કરી દીધું.

'કેમ બંધ પડી ગયો ? હવે તને સમજાય છે કે ભૈરવીની કિંમત વધારે કે રોમન સામ્રાજ્યની પડતીની કિંમત વધારે ? માલકૌંસ સુંદર કે ભૂમિતિનો સિદ્ધાન્ત વધારે સુંદર ?' ચિતરંજને પૂછ્યું.