પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શરમાળ પુરુષ:૧૧૧
 

જગતમાં સ્વર્ગ ઊભું થતું. તેનું સંગીત સાંભળી પાવન થવાતું, પવિત્ર થવાતું. રાગદ્વેષ અને વિકારથી પર રહેલી કોઈ ભૂમિકામાં ઊંચકાઈ અવાતું. પરંતુ બુલબુલ કોણ ? એક પતિત અંધ અંબળા ! ત્યારે કુસુમ કોણ ? મદનલાલ સરખા ધનાઢ્ય ગૃહસ્થની પત્ની ! અને મંજરી ? સનાતનનું હૃદય પોકારી ઊઠ્યું : 'હા હા, એ જ મારી. એ જ મારી મંજરી.'

બહાર મોટરનો અવાજ સંભળાયો, અને સનાતન તેના જાગૃત સ્વપ્નમાંથી ચમકી સ્વસ્થ થયો. પારકી સ્ત્રીઓના વિચાર અને સરખામણી શા માટે તેણે કરવાં જોઈએ તે તેને સમજાયું નહિ. સ્ત્રીઓના સૌંદર્યનું પૃથક્કરણ શા માટે તેણે કરવું જોઈએ તે તે સમજી શક્યો નહિ પરંતુ તેનું પુરુષહૃદય તેની શરમ અને નીતિની કડક ભાવના સામે બંડ ઉઠાવવાની તૈયારી કરતું હતું તે વાત સનાતન સમજી શક્યો. તેને પોતાના ઉપર ચીડ ચઢી. ચઢે યા ના ચઢે, પરંતુ પુરુષહૃદય સ્ત્રી સૌંદર્ય પાછળ એક ભિખારીની માફક ઘસડાયા કરે છે એમ ધીમે ધીમે સહુ કોઈ સમજે છે. સ્ત્રીઓ સહુથી પહેલી સમજી શકે છે, પછી એ સૌંદર્ય હૃદયનું હોય, બુદ્ધિનું હોય કે શરીરનું હોય.

કુસુમ એકદમ ઓરડામાં દાખલ થઈ. સનાતનને જોતાં જ તેની આંખ હસી ઊઠી. હસતી આંખનો પડઘો આખા મુખ ઉપર પડ્યો, અને સ્મિતથી કુસુમનું મુખ ઊભરાઈ ગયું.

'આજે બહુ વાર થઈ ગઈ. માફ કરજો, સનાતન !' સનાતનની પાસે બેસતાં કુસુમે જણાવ્યું. 'વહેલા આવવાનું બહુયે ધાર્યું, પણ લોકો ઊઠવા દેતા નથી. મને લાગ્યું કે તમે તો ગયા હશો !'

'ના, જી.' સનાતને જણાવ્યું, 'હું જતો હતો, પણ આપના માણસે મને બેસવાનું કહ્યું.'

'એ બહુ જ સારું કર્યું. આજે કાંઈ વાંચવું નથી, બહુ મોડું થયું છે, વાતો જ કરીશું.' કહી કુસુમ ઊભી થઈ અને પાસના મેજ ઉપર પડેલા કાગળો લીધા. 'સવારથી ટપાલ પણ જોઈ નથી.' કહી એકેએક કાગળો ફોડવા માંડ્યા. કાગળોમાં એક નાનું પારસલ સુવ્યવસ્થિત રીતે આવેલું તેણે ઉઘાડ્યું. તેમાંથી એક છબી બહાર કાઢી. થોડી વાર તેણે છબી સામું જોયું અને સહજ ન જણાય એવી રીતે ભમ્મરો ઊંચી કરી તેને પાછી મેજ ઉપર મૂકી દીધી. સનાતને નજર કરી. નજર કરવી ન જોઈએ એમ સારા માણસો કહે છે પરંતુ મનુષ્ય સારી રીતભાત કઈ વખતે બાજુએ મૂકતો નથી ? મનુષ્યસ્વભાવ જ એવો છે. અને સનાતન તેના અપવાદ રૂપ નહોતો.