પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્રદર્શન:૧૩૧
 

વધારે વાર રહેવાની તેમની વૃત્તિ ઓછી થવા માંડી. તેમણે બહારગામ પણ વધારે પ્રમાણમાં જવા માંડ્યું. ઘણી વખત તો તે મંજરી સામું જોતા પણ નહિ. તેમને લાગ્યું કે આવી હૃદય વગરની પૂતળી સાથે પરણવા કરતાં કોઈ લાગણીથી ઊભરાતી સૌન્દર્યરહિત સ્ત્રીને તેઓ પરણ્યા હોત તો વધારે સારું. જેની પાસે ધન હોય તેને મન મનાવવાનાં સાધનો જોઈએ એટલાં મળી શકે છે. તેમણે શહેરો શોધવા માંડ્યાં. મિત્રોને ત્યાં મુંબઈ નિયમિત રીતે જવા માંડ્યું. ઘરમાં હોય તોય દિવસો સુધી મંજરી સાથે તેમને બોલવાનો પ્રસંગ પણ આવતો નહોતો. બોલવાના પ્રસંગો તેઓ હાથે કરીને જતા કરતા હતા એમ મંજરી જોઈ શકી.

આમાંથી કોણ દયાપાત્ર ? મંજરી કે વ્યોમેશ?

મંજરીને પણ થાક લાગ્યો. શૂન્ય જીવન સહુને થકવે છે. તે પોતાની પરિસ્થિતિ પૂરેપૂરી રીતે સમજતી હતી. વ્યોમેશની પત્ની હતી, તોય બીજા કોઈના પત્રની આશામાં જીવતી હતી. પત્ર આવવાની જરા પણ આશા નહોતી. પત્ર આવે તોય તેનો હવે કશો ઉપયોગ નહોતો. સનાતન તેને હજી સુધી શા માટે સંભારી રાખતો હોય તેની પણ તેને સમજ પડતી નહિ. તેને સંભારવાનું સનાતનને કશું કારણ નહોતું અને છતાં તે સનાતનના પત્રની આશા છોડી શકતી ન હતી ! માનવ વિચિત્રતાનો કાંઈ પાર છે?

નાહીને તે એક દિવસ બેઠી હતી. અરીસામાં પોતાનું મુખ નિહાળતાં તેને લાગ્યું કે તેનું મુખ પ્રથમ જેવું સુંદર નહોતું. આંખો નીચે સહજ કાળાશ દેખાઈ, ગાલમાં ન સમજાય, ન ગમે એવી, આછી રેષાઓ દેખાઈ. આયનો ઘણે ભાગે તો સૌંદર્ય જ બતાવે છે, પરંતુ કોઈ વાર તે મશ્કરી પણ કરી શકે છે. મુખની આયનામાં દેખાતી કુરૂપતા ભ્રમ પણ હોય. છતાં સૌંદર્ય ઓછું થયાનાં ચિહ્ન કોઈને પણ ગમતાં નથી, સ્ત્રીને તો ખાસ નહિ જ.

એકાએક ટપાલીએ મંજરીનું નામ દઈ કાગળ નાખ્યો. મંજરી પાછી ચમકી. મુખ ઉપર રતાશ તરી આવી, છતાં રોજની માફક કાગળ લેવાની ઉતાવળ તેણે પ્રદર્શિત કરી નહિ. તોપણ તેનું હૃદય તો રોજની માફક ધડક્યું જ. પગને ચાલતાં અટકાવાય, પરંતુ હૃદય એક એવું અંગ છે કે જેના ઉપર બીજાં અંગો જેટલું સ્વામિત્વ ચાલતું નથી.

કંટાળેલું મુખ રાખી ધડકતા હૃદયે મંજરીએ કાગળ હાથમાં લીધો, અને તેનું હૃદય રોજ કરતાં વધારે જોરથી ધડકી ઊઠ્યું. પત્ર અજાણ્યો જ હતો. અક્ષર પણ અજાણ્યા જ હતા - કે નહિ? અજાણ્યા અક્ષર હોય તો તેનું હૃદય આટલું બધું અસ્વસ્થ કેમ થાય ? સનાતનના અક્ષરોવાળાં કાગળિયાં શું તેણે એક વખત અગાસીમાંથી મેળવી નહોતાં રાખી લીધાં ? સનાતનની