પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: પત્રલાલસા
 

સહાય કરે છે. અને તે સહાય જણાવા પણ દેતી નથી ! એને હું આવી તંગીમાંથી ન બચાવી શકું ?

લાખો રૂપિયા કમાઈ તેને ચરણે ઢગલો કરી દેવાનો તેને વિચાર આવ્યો. એ વિચારથી તેના શરીરમાં વીજળી પ્રગટી. જરૂર, મંજરીને આમ ભરીશીવીને ગુજારો ચલાવવો પડે છે, એ હાલતમાંથી એને મુક્ત કરવી જોઈએ. અને તે હું મુક્ત કરીશ.

આમ વિચારતરંગે ચઢતો સનાતન પોતાને ઘેર આવ્યો.

દીનાનાથની વ્યગ્રતા અને ચિંતા ઓછી થતી જણાઈ નહિ. ચિતરંજનની વાતો સાંભળી તેઓ હસતા, પરંતુ વચમાં વચમાં નિઃશ્વાસ મૂકતા. મુખ ઉપરની દિલગીરી દૂર ન થઈ. રાત પડી અને બધાં સૂતાં, પરંતુ આજે દીનાનાથને નિદ્રા ન હતી.

'શું મારી હાલત છેક આવી થઈ ગઈ કે મારી દીકરીને કમાવા જવું પડે છે ? એનો જન્મ થયો ત્યારે કેવી કેવી હોંશ અને આશા રાખી હતી ? આજે એ છોકરીને મારું પોષણ કરવા સમય આવ્યો ?'

તેના મનમાં અનેક વિચારો થવા લાગ્યા. રાત્રીનો અંધકાર અને એકાંત વિચારોને પ્રેરે છે. લાગણીઓને ઉશ્કેરે છે, અને દિવસના પ્રકાશમાં અશક્ય લાગતાં કાર્યોને શક્ય બનાવે છે. ખૂન, ચોરી, વ્યભિચાર વગેરે ગુનાઓના તે પોષક છે, અને દુઃખી મનુષ્યો તેમની છાયામાં દુઃખને ભયંકર રંગોથી રંગી, હોય તે કરતાં વધારે ભયાનક બનાવે છે. એ અંધકાર અને એકાંતની ગૂઢ અસર નીચે દીનાનાથ આવી ગયો. તેણે અગાસીમાં આવી ટહેલવા માંડ્યું.

અગાસીમાં ફરતાં ફરતાં તેણે અનેક નિશ્ચયો કરી નાખ્યા. કોઈ નોકરીમાં જોડાઈ જવું ? જેણે અનેકની સલામી ઝીલી છે, કલેક્ટરો અને કમિશનરો સાથે બરોબરીનો દાવો કરેલો છે, તે હવે સલામો કરતો બીજાઓના દરવાજા ખોળશે ? નોકરી કરવા કરતાં ભીખ માગવી બહેતર છે. પરંતુ ભીખ માગવી એ શું સહેલ વાત છે ? જગત છોડીને - સંસાર તજીને – ઘણા માણસો જંગલમાં ચાલ્યા જાય છે. એ માર્ગ કેવો ? એનો અર્થ એ કે પોતાના નાનકડા કુટુંબને મૂકી ચાલ્યા જવું. જીવતા રહીને પોતાના કુટુંબથી જુદા પડાશે ખરું? તેને એ વાત અશક્ય લાગી; તો પછી જીવતા જ કેમ રહેવું?

આ ભયાનક વિચાર આવતાં તેની આંખો વિકસી, નસોમાં રુધિર ઝડપથી વહેવા માંડ્યું. લાગણીઓમાં તીવ્રતા આવી ગઈ, અને આખા શરીરમાં ન અનુભવેલું બળ આવી ગયું. શું તે આત્મઘાતના ક્રૂર નિશ્ચય