પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહનું સ્વપ્નઃ ૨૧
 

મળવાનું નથી. અને મંજરીને તે મળશે કે નહિ તે માટે ઊંચો જીવ સનાતને કેમ કરવો ? આવી નિરર્થક અને પારકી બાબતમાં તેણે કદી માથું માર્યું નહોતું અને આજે તે જુદી જ બાજુએ ઘસડાતો હતો; તેના હૃદયના ઊંડાણમાંથી મંજરીને જોવાની લાલસા તેને થઈ આવતી. હૃદય તે કબૂલ કરતાં સંકોચાયું. હૃદય કબૂલ કરે યા ન કરે, પણ સનાતનની આંખોમાં આજે કોઈ જાદુઈ અંજન અંજાયું હતું.

'હવે કોણ વાંચે ! પરીક્ષા માટે આજ રાતે તો જવું છે. એક દિવસમાં શું વધારે ઓછું થશે ?' એમ કહી સનાતને હાથમાં વગરવાંચ્ચે રાખી મૂકેલું પુસ્તક બાજુએ મૂક્યું.

પુસ્તક મૂકતાં મૂકતાં માધુર્ય રેલતો સૂર તેને કાને પડ્યો અને તેનાં રોમ ઝબકી ઊઠ્યા. તેણે પાછું ફરી જાળીમાં દૃષ્ટિ કરી તો જોડેની અગાસીમાં મંજરી તુલસીપૂજા કરવા આગળ આવતી હતી. ધીમું ધીમું ગાતી ગાતી તે આગળ વધી.

'હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું ?[૧]
વારે વારે સામું ભાળે
મુખ લાગે મીઠું
હું શું જાણું જે વહાલે ભુજમાં શું દીઠું ?'

અજ્ઞાત યૌવનની અનુપમ વાણી મંજરીના કંઠમાં બરાબર દીપી નીકળી, અને વિદ્યાર્થી સનાતન - સરળ અને સખત સનાતન - મુગ્ધ થઈહતો ત્યાં જ ચોંટી ગયો.

મંજરી ગાતે ગાતે અટકી, સંકોચાઈ, અને જાણે રખે ને કોઈએ તેનું આ અમર્યાદ ગીત સાંભળી તો નહિ લીધું હોય, એવી શંકાથી તેણે પણ પાછાં ફરી જાળી તરફ જોયું.

સનાતન એકીટસે મંજરીને જોતો હતો અને તેનું ગીત પીતો હતો.

મંજરી અતિશય લજ્જા પામી, તેણે દ્રષ્ટિ નીચી કરી દીધી અને માથે ઓઢેલું લૂગડું સહજ નીચું આણ્યું.

સનાતને પહેલી જ વાર જોયું અને જાણ્યું કે સ્ત્રીઓમાં સૌંદર્ય હોય છે, અને તેમના પ્રત્યેક હલનચલનમાં સૌંદર્યસાગરની લહરીઓ ઊછળે છે.

મંજરીનો ક્ષોભ તે પારખી શક્યો, અને એવી સ્થિતિમાં જ મંજરીને રાખી ચાલ્યા જવું એ તેના પુરુષહૃદયને ગમ્યું નહિ. મંજરીના કુટુંબ સાથે


  1. દયારામ