પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુલબુલનો ભૂતકાળ : ૬૧
 

તેમને દવા મળે છે. સનાતન સરખો સંસ્કારી યુવક બુલબુલની કથની સાંભળવા તૈયાર હતો, અને તેથી બુલબુલનું હૃદય તેના આગળ ખૂલી ગયું.

તે એક ગૃહસ્થ કુટુંબમાં જન્મેલી હતી. નાનપણથી જ તેને સંગીતનો નાદ લાગ્યો હતો. કિશોર અવસ્થાને કોણ સમજી શક્યું છે ? એક બાજુએથી યૌવનનો તનમનાટ અને મસ્તી અને બીજી બાજુએથી બાલ્યાવસ્થાનું અજ્ઞાન, ભોળપણ અને હલેતાપણું - એ ભાવોની સામસામી ખેંચતાણની રંગભૂમિ એ કિશોર અવસ્થા. એ કિશોરવયમાં બુલબુલને તેના સંગીતશિક્ષકે ભોળવી. અજ્ઞાન બાળાએ પોતાનું ગૃહ અને કુટુંબ છોડી એ શિક્ષકના અજાણ્યા ભાગ્ય સાથે પોતાનું ભાગ્ય જોડી દીધું. સંગીતની છાયામાં પાપ થતું હશે એમ માની શકાતું નથી, છતાં મૌવરના નાદથી મોહ પામી ડોલતો મણિધર ભાગ્યે જ સમજી શકતો હશે કે તેને માટે મદારીનો કંડિયો સેવવાનું સર્જાયું હશે ! મુરલીનો નાદ સાંભળી ભાન ભૂલી જતું હરણ ક્યારે જાણે છે કે એ મુરલીના મીઠા સૂર પાછળ તીરનો જીવલેણ જખમ સંતાયો છે ? સુખના અને દુઃખ વિવિધ અનુભવો થોડા સમયમાં કરાવી સંગીત શિક્ષક અદ્રશ્ય થઈ ગયો, અને આ ભાગ્યહીન યુવતીએ જાણ્યું કે તે એક પાપગૃહમાં આવીને ફસાઈ ગઈ છે. જાળમાં સપડાયેલી માછલી ઘણું તરફડે છે, પણ તેનાથી ક્યાં છુટાય છે ? બુલબુલે આ પાપગૃહમાંથી છૂટવાને ઘણાં જ તરફડિયાં માર્યા, પરંતુ તેનું મોહક સંગીત અને મોહક શરીર, પુરુષવર્ગની ધિક્કારપાત્ર લોલુપતા, નઠોર બેશરમી અને નિર્દય પશુભાવનાનું પ્રદર્શન કરાવતા પેલા સ્ત્રીઓના બજારમાં વેચાયાં. થોડો સમય આ સ્થિતિમાં ગાળતા તેને એક યુવકમાં સહૃદયતાનો ભાસ થયો. તે યુવક ગૃહસ્થ હતો, પરણેલો હતો; છતાં તેણે બુલબુલને છૂપી રીતે આશ્રય આપ્યો. બુલબુલને ખબર ન પડી કે આ યુવક તેના કંઠનો ભોગી હતો કે દેહનો; પરંતુ ટૂંક સમયમાં બુલબુલે જોયું કે પોતે એક મહા ભયંકર રોગનો કોળિયો થતી જાય છે. પાપીને પણ મરવું ગમતું નથી. તેણે પ્રાપ્ત કરેલું સર્વ ધન રોગ મટાડવામાં ખર્ચી નાખ્યું. ધન ગયું, રૂપ જવા માંડ્યું, તે કૃશ થતી ચાલી. પ્રથમના સુંદર દેહમાં કુરૂપતાની રેખાઓ ક્યાં ને કેવી રીતે છુપાઈ રહેતી હશે ? વૃદ્ધ અને રોગી એ બે જ જાણી શકે કે કોઈ જાદુઈ હાથ ફરતાં પ્રથમના ચમકતાં ચંચળ નયનો સુસ્ત અને જડ બની જાય છે અને પ્રથમના ગુલાબી ગાલ ફિક્કા અને કરચલી ભરેલા થઈ મુખને બિહામણું બનાવે છે. બુલબુલ દરરોજ આયનામાં પોતાના મુખને જોવા લાગી. તે કરમાતી ચાલી. અચાનક એક દિવસ તેને લાગ્યું કે તેની આંખે ઝાંખ વળે છે. તે કંપી ઊઠી : 'શું આંખ જશે?' તેને ભયભીત કરનારો