પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
તરસી નજર

એક ચાંદરણું આભમાં લ્હેરાય રે !
પાણીડાં હેલે ચઢ્યાં, હેલે ચઢ્યાં !
નાનાલાલ

જાગીરદાર વ્યોમેશચંદ્રને ખાતરી થઈ ગઈ કે સ્ત્રી વગર મિલકત,ઘર, પૈસો બધું બગડી જાય છે. તેમને વિશેષ ખાતરી એ થઈ કે તેમનું ચારિત્ર્ય પ્રત્યેક ક્ષણે જોખમમાં આવી પડેલું છે. લક્ષ્મી ઘરમાં જ હતી. પોતાના માલિકનું હૃદય વશ કરવા માટે તેના પ્રયત્નો ચાલુ જ હતા. કઈ ક્ષણે પોતાનું પતન થાય એનો વ્યોમેશચંદ્રને ભરોંસો નહોતો.

લોકોમાં પણ આવા સુખી અને સારા પુરુષની સાથે સંબંધ બાંધવાની સ્પર્ધા ચાલી હતી. ઉંમરલાયક અને નાની ઉંમરની કન્યાઓનાં માબાપ વ્યોમેશ તરફ હવે કહેણ મોકલવા લાગ્યાં. જુદી જુદી કન્યાઓ માટે જુદે જુદે સ્થળેથી સિફારસો પણ આવતી, અને કન્યાઓનાં રૂપ, ગુણ, કન્યાઓનાં માબાપની લાયકી, ને લાયક માણસોની સાથે સંબંધ બાંધવામાં થતા લાભનાં વર્ણનો દરરોજ તેમની પાસે ચાલતાં હતાં. પોતાનો માલ ખપાવવાની દુકાનદારો સરખી તીવ્ર અભિલાષા કન્યાઓનાં માબાપમાં વ્યક્ત થતી. શા માટે ? પોતાની કન્યા વ્યોમેશ જેવાને ત્યાં ખપે એટલા માટે ! કન્યા એ શું જેમતેમ ખપાવી દેવાની ચીજ છે ? લગ્ન એ શું વેચાણનો વ્યવહાર છે? કોણ કહેશે ?

પરંતુ વ્યોમેશચંદ્રનું મન માન્યું નહિ. શા માટે પરણવું ? લક્ષ્મી હવે બધી કાળજી રાખતી હતી. પરંતુ લક્ષ્મીને કાંઈ ગાડીમાં સાથે લઈ જવાય? તેની સાથે કાંઈ છબી પડાવાય ? તેને કાંઈ મિલકત સોંપાય? તે તો ચાકરડી હતી. માત્ર દીનાનાથની છોકરી મંજરી આંખ ઠારે એવી હતી. પોતાની ગત પત્નીને ભુલાવી દે એવું તેનામાં સ્વરૂપ હતું. મુખ સામું જોવું ન ગમે એવી છોકરીઓને કેમ પરણાય ? દીનાનાથ અને નંદકુંવર એ બેમાંથી કોઈ પણ વ્યોમેશચંદ્રની વિરુદ્ધ જાય એમ નહોતું. એટલું જ નહિ, પણ તેમણે મંજરીને પોતાની વર્ષગાંઠ નિમિત્તે ભેટ આપવાની પણ સંમતિ આપી હતી. આ બધું