પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરસી નજરઃ ૭૯
 


દીનાનાથનું માનવંતું ઉપનામ હજી લોકો ભૂલ્યા નહોતા.

મંજરી ફરી બહાર આવી. તેણે જવાબ આપ્યો :

'ઘરમાં નથી.'

આટલા ટૂંકા જવાબથી તેમને સંતોષ વળે એમ નહોતું. તેમણે આગળ પૂછ્યું આગળ પૂછ્યું :

'ક્યારે આવશે ?'

મંજરી બોલી :

'એ તો ખબર નથી.'

વ્યોમેશચંદ્રને વાત લંબાવવાનો અણગમો નહોતો. મંજરીના ટૂંકા જવાબો પણ તેમને મીઠાઈના ટુકડા જેવા મિષ્ટ લાગતા હતા. અને ઉપરાંત મંજરીને જોવાનો વધારે વખત મળ્યે જતો હતો.

'નંદુબહેન છે ?' તેમણે પૂછ્યું.

મંજરીને વિચાર થયો કે આ બધી વંશાવળી તેઓ કેમ પૂછતા હશે? જરૂર હોય તો ઘરમાં આવી બધાંને મળી જાય. ઘરમાં આવવાની કાંઈ નવાઈ હોતી નથી, છતાં જવાબ આપ્યા સિવાય ચાલે એમ નહોતું.

‘હા, જી. ઘરમાં જ છે. બોલાવું ?'

પોતાની માને બોલાવી જાગીરદાર સાથે વાતે વળગાડવાથી પોતે છૂટી થઈ શકશે એમ ધારી તેણે પૂછ્યું.

'ના, ના. એમને તકલીફ આપવાની જરૂર નથી. હું જ ઘરમાં આવત, પણ આ ઘોડા ઉપર છું એટલે ઊતરતો નથી.' જાગીરદારે સજ્જનપણું બતાવ્યું અને સાથે ઘરમાં ન આવવાના કારણ તરીકે પોતે ઘોડેસ્વાર થયા હતા તે વાત સ્પષ્ટ કરી આપી.

ઘોડો આમતેમ પગ ઉપાડી રહ્યો હતો. તેનાથી સ્થિર ઊભા રહેવાતું જ નહિ ! તેને કાબૂમાં રાખી મંજરી સામું જ જોયા કરાય એવી રીતે ઘોડાને ઊભો રાખવાનો વ્યોમેશનો પ્રયત્ન હતો. ઘોડાને દોડવાની ઈચ્છા હતી. તે ખસી ગયા અને મંજરી દેખાતી બંધ થઈ.

પરંતુ હજી આ બધી પૂછપરછ કરેલી તેનું ખરું રહસ્ય તો જણાયું નહોતું. પોતે આજ રાતે ન આવી શકે તો દીનાનાથ રાહ ન જુએ એ કહેવાનું તો રહી જ ગયું ! આગળ વધવાને આતુર ઘોડાને તેમણે પાછો ફેરવ્યો. મંજરી હજી ઊભી જ રહી હતી. તેને ઘોડામાં કે સવારમાં ગમ્મત પડી લાગતી હતી. નહીં તો ઘોડો ફરતા બરાબર તે પાછી ઘરમાં જતી રહી હોત. સવારને લાગ્યું કે પોતાના સૌંદર્યનું અવલોકન થતું હતું.