પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : પત્રલાલસા
 

વશ કરી ઘરમાં સત્તા ચલાવવા તરફ વળતી હતી.

એણે દીનાનાથનું કહેવું ગણકાર્યું નહિ. અને છોકરીને લઈ ઓરડીમાંથી બહાર જવા માંડ્યું. દીનાનાથની આંખમાં આ પ્રતિકારની અસર જણાઈ, અને તેમની ભમ્મરો વળી ! મંજરીની અને દીનાનાથની ભમરો ઊંચકવાની લઢણ સરખી જ હતી એમ વ્યોમેશચંદ્રને ભાસ થયો. વળી તેમણે જાણ્યું કે દીનાનાથ આવા પ્રકારના લક્ષ્મીના વર્તનથી તદ્દન અપરિચિત હતા !

તેમણે એકદમ બૂમ પાડી :

'ભાઈસાહેબ કહે છે તે સાંભળતી નથી ? બહેરી થઈ છે શું ?'

દીનાનાથની આજ્ઞા લોપી શકાય, પરંતુ માલિકની આજ્ઞા લોપાય એમ નહોતું. છણછણતી લક્ષ્મી આવી, છોકરીને મૂકી ગઈ. જતે જતે દીનાનાથને ન સંભળાય એમ બબડતી ગઈ. લક્ષ્મી સાથે કેટલાક વખતથી વ્યોમેશચંદ્ર બહુ જ અણગમાથી વાત કરતો. તેને પેલી રાતના અનુભવ પછી લક્ષ્મીનો ઘણો જ ડર લાગતો.

છોકરી પાસે બેઠી અને રડતી છાની રહી !

‘બાપુજી ! બહુ વાગ્યું છે ?'

'ના ના, એ તો હવે મટી જશે.'

બાપા અને દીકરીને વાત કરતાં છોડી જવા દીનાનાથ ઊભા થયા.

‘વ્યોમેશભાઈ ! હું હવે રજા લઈશ.'

‘જશો ? મારી તો આ દશા છે ! નંદુબહેનને મોકલતા રહેશો તો બહુ સારું. મારી તો સારવાર કરવા કોઈ જ નથી. આપ પણ આવતા રહેશો તો મને ગમશે અને મારો વખત જશે.' વ્યોમેશચંદ્ર જણાવ્યું.

‘જરૂર હું આવીશ. આપ જરાયે જુદાઈ ન માનશો. હું મોકલીશ ઘરમાંથી. ગભરાશો નહિ. જરૂર હોય તો હું અહીં જ રહું.'

'ના, જી. એમ કાંઈ નથી. પણ આપ જુઓ છો ને, ઘરમાં કાંઈ ઠેકાણું છે ?'

દીનાનાથ ઊઠ્યા અને ઘરમાંથી નીકળ્યા. લક્ષ્મીએ તેમની પાછળ બારણું બંધ કર્યું, અને અણગમતાપણાનો ચાળો કર્યો. દીનાનાથને પણ રસ્તામાં જતાં વિચાર આવ્યા કરતો હતો કે પત્નીવિહીન વ્યોમેશ બહુ જ દુઃખી થાય છે. મંજરી યાદ આવી. એને અહીં આપીએ તો શું ખોટું ? એમ તેમને વિચાર આવ્યો.

ઘેર જઈ નંદકુંવરને તેમણે વાત કરી.