સાથે જ ચિંતાભર્યો પ્રશ્ન કર્યો.
‘તમને કાંઈ થાય નહિ તે જોજો.’
‘મા, મને કાંઈ થવાનું નથી તેની ખાતરી રાખજો.’ દેવવ્રતે સત્યવતીની ચિંતા દૂર કરવાના પ્રયત્ન કરતાં કહ્યું. ‘સ્વયંવરમાં ઉપસ્થિત રાજકુમારો યુદ્ધની તૈયારી સાથે તો નહિ જ આવ્યા હોય ને? રાજકુમારી પોતાને પસંદ કરે તેવી ઉમેદથી આવ્યા હશે, ઠાઠમાઠથી બેઠા હશે, ત્યારે દેવવ્રતના પરાક્રમ સામે તેઓ કઈ રીતે ઊભવાના હતા? એમની પાસે શસ્ત્રો પણ કેટલાં હશે ? કાશીરાજ પણ શું કરવાનો હતો ? તેની લશ્કરી તાકાત જમા થાય તે પડકારે તે પહેલાં તો તેની રાજકુમારીઓ હસ્તિનાપુર પહોંચી પણ ગઈ હશે.’
દેવવ્રત જેમ જેમ જુસ્સાભરી વાણીમાં પોતાની યોજના સત્યવતી સમક્ષ પેશ કરતો હતો, તેમ તેમ સત્યવતીના હૈયામાંનો હરખ છલકાતો હતો. એના રોમેરોમ ઉત્તેજના અનુભવતા હતા.
‘શાબાશ, ભીષ્મ શાબાશ.’ સત્યવતી બોલી ઊઠી. ‘હસ્તિનાપુરની તાકાતનું પણ એમાં દર્શન જ હશે ને?’
‘હા, મા. હસ્તિનાપુરની અવગણના કરનારને કેવી સજા થાય છે તે પણ લોકો ભલે જુએ.‘ દેવવ્રત પણ પુલકિત હૈયે બોલતો હતો. ગૌરવથી તેની ગરદન ઊંચી થઈ ગઈ હતી.
દેવવ્રત વિદાય થયો ને સત્યવતી તેની પૂંઠ પાછળ આશાભરી નજર નાખી રહી. તેની દૃષ્ટિમર્યાદામાંથી દેવવ્રત દૂર થતાં તેનો મનોવ્યાપાર વધી પડ્યો.
દેવવ્રત વિષે જ તે વિચાર રમણે ચઢી હતી. ગંગાપુત્રની પિતૃભક્તિ, પિતાના સુખ માટે પોતાના હક્કોનો ત્યાગ, પોતાના જીવન સુખનો પણ ત્યાગ કર્યો. તેના માટે સર્વસ્વના વિનાશનું કારણ બનનારી માછીમારની દીકરીના સંતાનો પ્રત્યે પણ ઉદાર વલણની તે મનોમન મુક્ત હૈયે પ્રશંસા કરતી હતી. તેને યાદ