‘મા, ઓ મા! તમે ક્યાં છો? આ તમારી પુત્રવધૂઓને વધાવી લો.’ ત્રણે રાજકુમારીઓને લઈને સત્યવતીના ભવનમાં પ્રવેશ કરતાં દેવવ્રતે સત્યવતીને ઉત્સાહભેર સાદ દીધો. તેને પાછા ફરવાની ઉતાવળ હતી. કાશીરાજે તેની ત્રણ રાજકુમારીઓ માટે યોજેલા સ્વયંવરમાંથી ત્રણેનું અપહરણ કરીને હસ્તિનાપુર તરફ પાછા ફરતાં તેની પાછળ શાલ્ય સૈન્ય સાથે દોડી રહ્યો છે, તેની જાણ થતાં ત્રણે રાજકુમારીઓ માને સુપ્રત કરી દેવાની ઉતાવળમાં હતો. શાલ્યનો સામનો કરવા પાછા ફરવાની ઉતાવળ હતી.
દેવવ્રતનો ઉત્સાહભર્યો સાદ સાંભળતાં સત્યવતી હર્ષભરી દોડી આવી. તેની સમક્ષ ત્રણ રાજકુમારીઓ ઊભી હતી. ત્રણે પ્રત્યે ઉલ્લાસભર્યો દૃષ્ટિપાત કરી રહેલી સત્યવતીને દેવવ્રત કહેતો હતો, ‘તમે હવે લગ્નની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું શાલ્યનો મુકાબલો કરી પાછો આવું છું.’
સત્યવતી કંઈ પણ કહે તે પહેલાં દેવવ્રત ઉતાવળા પગલે પાછો ફર્યો. શાલ્ય હવે આવી જ પહોંચ્યો હશે તેવી તેની ગણતરી હતી. તેણે પોતાના સૈન્યને તો શાલ્યનો સામનો કરવા પાછળ રહેવા દીધું હતું. શાલ્યને પોતાની તાકાત બતાવી દેવા દેવવ્રત પણ ઉત્સુક હતો. પોતાની તાલીમનો પહેલી જ વાર પરચો બતાવવાની તેને તક પ્રાપ્ત થઈ હતી.
માની તેના બે દીકરાના લગ્ન વિષેની ચિંંતાને શાંત