લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૧૩
 

હલબલી ઊઠી હતી.

‘ભીષ્મ, શાલ્યરાજને આવી હાલતમાં કેમ લાવ્યા ?’ સત્યવતીએ પ્રશ્ન કર્યો, ‘અંબા સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા નથી, એટલે તમે તેને આમ પકડીને લઈ આવ્યા?’

‘ના, મા, ના! શાલ્યરાજ તો મારી પાછળ પડ્યો હતો. મારા કબજામાંથી કાશીરાજની રાજકુમારીઓને છોડાવી જવા લશ્કર સાથે મારો પીછો કરતો હતો, એટલે તેનો સામનો કરવા માટે પણ ત્રણે રાજકુમારીઓને તમારે હવાલે કરી. તે આગળ વધે એ પહેલાં મારે પહોંચી જવુ પડ્યું. ‘દેવવ્રતે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘પણ હું તેમને હવે મુક્ત કરું છું.’ શાલ્યરાજને બંધનમુક્ત કરતાં તેના ખભા પર મૈત્રીભર્યો હાથ મૂકતાં કહ્યું, ‘રાજન્! તમે હવે હસ્તિનાપુરના મિત્ર છો, નિરાંતે અમારી મહેમાનગતી માણો ને અંબા સાથે લગ્ન પણ કરો.’

બંધનદશામાંથી મુક્ત થતાં શાલ્યરાજને પણ હૈયાધારણ પ્રાપ્ત થઈ. જ્યારે યુદ્ધના મેદાન પર દેવવ્રતનાં પરાક્રમે પરાજીત થઈ, દેવવ્રતનો બંદીવાન બન્યો ત્યારે તેના મનમાં શંકાનાં વાવાઝોડાં ઊઠતાં હતાં. દેવવ્રતે પરાજીત શાલ્યરાજનો પીછો પકડીને તેને બંદીવાન બનાવ્યો હતો. હસ્તિનાપુર પ્રતિ કદમ ઉઠાવ્યા ત્યારે શાલ્યરાજને તેનું ભાવિ અંધકારમય જણાતું હતું. પણ તેની મુક્તિ પછી દેવવ્રતના મૈત્રીભાવથી તેની શંકા નાબૂદ થઈ. દેવવ્રત વિષે તેને ભારે માન પણ થયું.

સત્યવતી પણ દેવવ્રતતા ઉદાર વલણથી પ્રસન્નતા અનુભવતી હતી. તેણે શાલ્યરાજનું સ્વાગત કરતાં કહ્યું, ‘હવે થોડો વિસામો લો, દરમ્યાન ત્રણે બહનોનાં લગ્ન અંગેની વ્યવસ્થા થઈ રહી છે. અંબા સાથેના તમારા લગ્ન પણ અહીં જ થશે.’

શાલ્યરાજ મૂંઝાતો હતો. પોતાને બંદીવાન હાલતમાં જોતાં અંબા બેભાન બની તે જોતાં તેના મનમાં શંકા જાગતી હતી.