લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ ✽ પિતામહ
 

લગ્નની પણ તૈયારી કરવા માંડી. પણ તેણે હવે તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી ચાલતી પકડી.’

અંબિકા અને અંબાલિકાના વચનોને અંબા વજુદ દેવા તૈયાર ન હોય એમ મોટા સાદે બોલી ઊઠી, ‘ના, ના, મારો પ્રિતમ લગ્ન કરવા કદી ઇન્કાર કરે જ નહિ.’ ને દલીલ કરી, ‘દેવવ્રતના પંજામાંથી મને મુક્ત કરવા તે દોડ્યો જ હશે, ને લડાઈમાં પકડાયો હશે. તેના પ્રેમને હું બરાબર જાણું છું.’

‘તું શું જાણે છે?’

‘તે અંબાને ચાહે છે, અંબા સાથે લગ્ન કરવા તે સ્વયંવરમાં આવ્યો હતો. જો દેવવ્રતે મારું પણ અપહરણ ન કર્યું હોત તો લગ્ન કરવા મને તેના રાજ્યમાં લઈ ગયો હોત.' અંબા શાલ્યરાજના તેના પ્રતિના પ્રેમનું વર્ણન કરતી હતી.

‘પણ તેણે જ તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કેમ કર્યો, જાણે છે?’ અંબિકા પૂછી રહી.

‘જાણવાની જરૂર નથી, બહેન !’ અંબાએ જવાબમાં કહ્યું ને ઉમેર્યું, ‘તેના પ્રેમને હું બરાબર જાણું છું. તે કદી ના ભણે જ નહિ, પણ દેવવ્રતના ભયથી તે ભાગી ગયો હશે,’ અંબાએ કલ્પના દોડાવી.

‘જો અંબા, હકીકતમાં શાલ્યરાજે અપહર્તા અંબા સાથે હવે લગ્ન કરવાં નથી એવી જાહેરાત કરીને તે પલાયન થયો!’ અંબિકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું ને પોતાનો રોષ ઠાલવતાં બોલી, ‘માટીપગો, કાયર, ખોટા બહાનાં બતાવીને છટકી ગયો !’

અંબિકાની સ્પષ્ટતાથી અંબા થોડીક ક્ષણો વિમાસણમાં પડી હોય એમ ગંભીરતાથી જોઈ રહી.

‘હવે શું કરવા માંગે છે? પાછા જવું છે ? દેવવ્રત તને મૂકી જશે ?’ અંબાલિકાએ તેને સીધો પ્રશ્ન કર્યો.

‘પાછા જવાની હવે જરૂર નથી.’