લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૧૯
 


‘તમે વચન દીધું નથી એ ખરું, પણ તમે ત્રણ રાજકુમારીઓને ઉઠાવી લાવ્યાં છો. બેનાં લગ્નની વ્યવસ્થા કરી, પણ ત્રીજીની વ્યવસ્થા કેમ ન કરી ?’ અંબાએ પ્રશ્ન કર્યાં, ‘બે બહેનો જો તમારા ભાઈઓ સાથે લગ્ન કરતી હોય તો ત્રીજી બહેન ત્રીજા ભાઈ સાથે જ લગ્ન કરે ને? તમે જેમ મોટા છો, તેમ હું પણ ત્રણ બહેનોમાં મોટી છું એટલે આપણી જોડી સરખી બનશે.’

દેવવ્રત શાંત હતો. અંબાના ઉશ્કેરાટની જરા પણ અસર તેના પર થઈ ન હતી. સંપૂર્ણ શાંતિથી, મલકતાં મુખે તેમણે અંબાના પ્રશ્નનો જવાબ દેતાં કહ્યું, ‘અંબા તારી દલીલમાં જો મારે પ્રતિજ્ઞા ભંગ થવું હોય તો જરૂર જોર છે, પણ દેવવ્રત તેની પ્રતિજ્ઞાનો ભંગ કરવા કોઈ પણ દલીલનો સ્વીકાર કરી શકે જ નહિ.’ ને ઉમેર્યું, ‘જોયું નહિ ? પ્રતિજ્ઞાના પાલન અર્થે મેં ગાદી પરના મારા હક્કને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કર્યો, તો એ ગાદીના પ્રશ્નને હવે ઉકેલવાની જરૂર નથી.’ ને દૃઢતાપૂર્વક કહ્યું, ‘દેવવ્રત તેની પ્રતિજ્ઞામાંથી કદી પણ પીછેહઠ કરવા તૈયાર નથી.’ ને સ્પષ્ટપણે તેને સંભળાવી દીધું, ‘હું કદી પણ લગ્ન કરવાનો નથી. મારી પ્રતિજ્ઞામાં હું ગમે તેમ કપરા સંજોગોમાં પણ પીછેહઠ કરવા માંગતો નથી એટલું તું સમજી લેજે.’

દેવવ્રતના શાંત, સ્વસ્થ ચિત્તે અપાયેલા જવાબે અંબાને સળગાવી દીધી. તેના રોમ રોમ સળગી ઊઠ્યા હતા. તેના મનમાં દેવવ્રતના ઇન્કારે આગ પેટાવી હતી.

‘તો અંબા પણ દેવવ્રત વિના બીજા કોઈની પત્ની બનશે નહિ, એ પણ તમે જાણી લો.’ અંબાનાં અંગો ક્રોધથી ધ્રૂજતાં હતાં.

અલબત્ત, અંબાની આ પ્રતિજ્ઞાથી દેવવ્રત થોડો હલબલી ઊઠ્યો હતો. કાશીરાજના સ્વયંવરમાંથી ત્રણે બહેનોને ઉઠાવી લાવવામાં પોતે ઉતાવળ કરી છે, તેમ પણ તેને હવે સમજાતું