સૂઝતો ન હતો. સત્યવતી પણ વિચારણામાં ગરક હતી. બંનેનાં નિરાશાભર્યાં નેનાં ક્યારેક ટકરાતાં ત્યારે ભીષ્મનાં નેનાં ઢળી પડતાં.
નિરવતા, સ્તબ્ધતા ને ગમગીન વાતાવરણમાં વીજળીનો ઝબકારો થયો હોય એમ સત્યવતી બોલી ઊઠી, ‘હવે એક જ માર્ગ મને સૂઝે છે.’
‘તો અમલ કરો, આજ્ઞા કરો, મા!’
‘પણ તમે માન્ય રાખશો, ભીષ્મ ?’
‘વાહ, તમે જે માર્ગ બતાવશો તે વંશ ને રાજ્યનાં ભલા માટે જ હશે ને? પછી મારે સ્વીકારવો જ જોઈએ.’ ભીષ્મ હૈયાધારણ દેતાં પૂછી રહ્યો, ‘કહો!, શો માર્ગ છે?’
‘માર્ગ છે, વંશ અને ગાદી પર કુરુવંશનો જ કુમાર ગોઠવાઈ એ જરૂરી છે. એટલે મને વિચાર આવે છે નિયોગનો માર્ગ જ હવે સ્વીકારવો પડશે.’
‘નિયોગ ?’ ભીમ જાણે નિયોગ શબ્દ સાંભળતાં છળી ઊઠ્યો હોય એમ પૂછી રહ્યો, ‘પરપુરુષ સાથેનો પુત્રવધૂઓનો દેહસંબંધ ?’ તેણે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘મા, તમે આ શું બોલો છો?’
‘હા, હું બોલું છું.’ સત્યવતીએ સ્વસ્થતાપૂર્વક જ જવાબ દીધો. નિયોગ સિવાય બીજો કોઈ વિકલ્પ છે ખરો ? સિવાય કે ભીષ્મ તૈયાર થાય તો? પણ ભીષ્મ તૈયાર નથી. કુરુવંશ ને ગાદી બંને જાળવવા છે એટલે નિયોગ દ્વારા સંતાનપ્રાપ્તિનો માર્ગ અનિવાર્યપણે સ્વીકારવો જ પડશે.’
પોતાની લાચારી વ્યક્ત કરતાં ભીષ્મે જવાબ દીધો, ‘જેવી માની ઇચ્છા!’
‘માની ઇચ્છાની આ વાત નથી ભીષ્મ !’ ઉગ્રતાથી સત્યવતી બોલી ઊઠી, ‘મારી ઇચ્છાની વાત નથી, આપણા સૌની ઈચ્છાની વાત છે. હવે તમારે જ દોર પકડવાનો છે, ભીષ્મ્ !’