ભીષ્મ વિષેનો પોતાનો અહોભાવ ઠાલવતાં સત્યવતી બોલી, ‘મહારાજ શાન્તનુએ જ્યારે તમારા વિષેનો અહોભાવ પ્રથમ વખત મારી સામે ઠાલવ્યો ત્યારે હું શંકાશીલ હતી. મને તમારો ભય પણ હતો, વિશ્વાસ ન હતો. મહારાજાના અવસાન પછી તમે પ્રતિજ્ઞાનો ભંગ કરી ગાદી પર ગોઠવાઈ જશો એવો અવિશ્વાસ પણ હતો. વર્ષોના અનુભવ પછી, ને તેમાં પણ મહારાજના અવસાન પછી તમે ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને ગાદી પર બેસાડ્યા, તેમના લગ્ન માટે શાલ્યની રાજકુમારીઓનું અપહરણ કરીને ભારે સાહસ ખેડ્યું તેથી મારો વિશ્વાસ અનેકગણો વધી ગયો છે. હવે સત્યવતી તમારી સલાહ પર ચાલશે, ખાતરી રાખજો.’
‘ખરું પણ—’ સત્યવતીનો મનોભાવ જોયા પછી તેની વાતનો સ્વીકાર કરતાં ભીષ્મ પૂછી રહ્યો.
‘૫ણ નિયોગ માટે કયો પુરુષ તમે પસંદ કરવા માંગો છો?’
‘હા, પ્રશ્ન જરૂર વિચારણીય છે, પણ તેનોય જવાબ પ્રાપ્ત થશે જ ને?’
‘અંબિકા અને અંબાલિકાને તમારી વાત મંજૂર હશે?’
‘તેમની મંજૂરીની જરૂર નથી.’
‘ભીષ્મ તેમનું કર્તવ્ય તેમને સાદ દઈ કહી રહ્યો છે એટલે તેઓ જરૂર તૈયાર થશે.’ સત્યવતીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, ‘આખરે તેમના ખોળામાં તેમનાં સંતાન રમતાં હશે ત્યારે પૂર્ણ રીતે તેઓ પણ ખીલી ઊઠશે.’
‘ભલે, તો તમે હવે નિર્ણયને અમલમાં મૂકવાની તૈયારી કરો.’
‘તમારા સહકાર વિના એ શક્ય નથી.’
‘મારો સહકાર એટલે ?’ સત્યવતીના ઇરાદાનો જાણે અણસાર મળી ગયો હોય એમ ભીષ્મ ધ્રૂજી ઊઠ્યો, તેણે ધ્રૂજતા સ્વરે પ્રશ્ન કર્યો.
‘પણ તમે ધ્રૂજી કેમ ઊઠ્યા ?’
‘તમારો અણસાર હું પામી ગયો છું, મા !’ ધ્રુજતા સ્વરે