લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ ✽ પિતામહ
 

થઈ ન હોત.

‘પણ હવે શું?’ અફસોસ કરતાં સત્યવતી તેની જાતને પૂછતી હતી, કોઈ માર્ગ તો શોધવો જ પડશે ને?’

તે દિવસો થયા ખૂબ મૂંઝવણમાં હતી. તેની દૃષ્ટિમર્યાદામાં ઘણાં ઘણાં ઉપસ્થિત થયા પણ તે કોઈને પસંદ કરી શકતી ન હતી. નિયોગ દ્વારા પેદા થયેલા સંતાન પર પિતા તરીકેનો પોતાના હક્કનો દાવા કરે તો વળી વધુ મુસીબત પેદા થાય. એક તો બંને રાણીઓની પ્રતિષ્ઠા જોખમાય. તેમણે નિયોગ દ્વારા સંતાન પેદા કરીને કુરુવંશની ભારે સેવા કરી છે એ ભૂલી જઈને લોકો તેમની નિંદા કરવા બેસી જાય એટલે એવા કોઈ ઝંઝાવાતમાં પોતે સંડોવવા માંગતી ન હતી.

‘તો હવે ?’ ચિબુક પર આંગળી મૂકી દૂર દૂર સુધી નજર નાખતી સત્યવતીના મનમાં પ્રશ્ન ઊઠતો હતો, ‘નિયોગ માટે તે પુત્રવધૂઓને તો સમજાવી શકાશે, પણ સર્વથા યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ હતું.’

કાળાં વાદળોમાં જેમ વીજળી ચમકીને ક્ષણ માટે ચોપાસ પ્રકાશ પથરાઈ જાય તેમ સત્યવતીના મનોપ્રદેશમાં વીજ ચમકી. તેને વેદવ્યાસનું નામ યાદ આવ્યું, તેની સાથે જ તેના રોમરોમ પુલકિત બની રહ્યા.

‘સર્વથા યોગ્ય પસંદગી છે.’ હર્ષભરીને મન સાથે વાત કરવા લાગી. તેની સાથેના સંબંધથી જે પુત્રો પેદા થશે તે પણ તેના જેવા જ પ્રભાવશાળી હશે. જેમ જેમ વેદવ્યાસની પસંદગી વિષે તે વધુ ને વધુ વિચારતી ગઈ તેમ તેમ તેનો હર્ષ વધતો જ ગયો.

તેણે ભીષ્મની મંજૂરીની ઇચ્છાથી તત્કાલ ભીષ્મને તેડું મોકલ્યું. આખરે તેને સલાહ આપી શકે તેવી બીજી કોઈ વ્યક્તિ હતી જ ક્યાં? ભીષ્મ વિષેની તેની શ્રદ્ધા, તેનો વિશ્વાસ અનેકગણો હતો એટલે આવી નાજુક બાબતમાં ભીષ્મની સલાહ જરૂરી હતી. ભીષ્મે