‘તમારી સલાહ વિના તો કોઈ નિર્ણય હું કરતી નથી એ તો તમે જાણો છો ને?’
‘જાણું છું મા!’ ભક્તિભાવે ભીમે જવાબ દીધો, ‘હવે વાત મૂકો. તમારી વાતમાં ઘણું જ તથ્ય હશે તેવો મારો વિશ્વાસ પણ છે, મા!’
આખરે સત્યવતી પણ ભીષ્મ સમક્ષ દિલના ભાવો વ્યક્ત કરવા તૈયાર થઈ. તેણે ગંભીરતા ધારણ કરતાં કહ્યું, ‘કુરુવંશની કૂચ અટકી ન જાય, તે સતત ચાલુ રહેવી જ જોઈએ એમ તો તમે પણ સ્વીકારો છો.’
‘હા, જરૂર. તમારી વાત બરાબર છે.’
‘સાથે જ મારા પતિનું નામ પણ ગાજતું રહેવું જોઈએ એવા પરાક્રમી સંતાનની જરૂર પણ છે જ ને?’
‘જરૂર છે જ, પણ તે પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ મહત્ત્વનો છે. તમે જે સૂચવો છો તેમ નિયોગ માટે પરાક્રમી સંતાન આપી શકે એવા પુરુષના સહકારની જરૂર છે જ ને ?’
‘મને સર્વથા યોગ્ય પુરુષની સ્મૃતિ થઈ છે.’
‘કોણ છે? કહો તો ખરા ?’ સત્યવતીની સ્પષ્ટતા પછી સર્વથા યોગ્ય વ્યક્તિ વિષે જાણવા ભીષ્મ ઉત્સુક બન્યો.
‘વેદવ્યાસ.’ સત્યવતીએ સ્પષ્ટતા કરી.
‘વેદવ્યાસ !’ સાશ્ચર્યપૂર્વક ભીષ્મ પૂછી રહ્યો.
‘હા, તે સર્વથા યોગ્ય વ્યક્તિ છે જ ને?’
‘જરૂર, તેમની યોગ્યતા વિષે કોઈ પ્રશ્ન જ નથી. પણ તેઓ તૈયાર થશે? તે તો વેદોના શસ્ત્રના દાતા છે. તેઓ નિયોગને અધર્મ નહિ માને?’ ભીષ્મે શંકા વ્યક્ત કરતાં પૂછ્યુ, ‘તમે તેમને સમજાવી શકશો?’
‘હા, ભીષ્મ !’ સત્યવતીના ચહેરા પર આંખોમાં પણ ઉજાસ હતો. તેણે વધુમાં કહ્યું, ‘ભીષ્મ, તમે