આમ મત્સ્યગંધા રોજ ગંગા કાંઠે પોતાની હોડી માટેના મુસાફરોની પ્રતિક્ષા કરવાના બદલે હોડીને સામે કાંઠે લઈ જતી. ઋષિના આશ્રમે પહોંચી જતી હતી.
ઋષિ પણ મત્સ્યગંધાના સાંનિધ્યની ઝંખના તો કરતાં જ હતા. મત્સ્યગંધાના દેહમાંથી આવતી સુગંધ તેમને ગમી ગઈ હતી. પરિણામે બને વચ્ચે નિકટતા વધી પડી, ઘણી વખત મત્સ્યગંધા મોડી ઘેર પહોંચતી. તેનો બીમાર બાપ તેની બદલાયેલી રીતથી ચિંંતિત હતો. આખરે તેણે જ મત્સ્યગંધાને પ્રશ્ન કર્યો: ‘હમણાં હમણાં તું ખૂબ મોડી આવે છે ને નાણાં પણ ઓછાં આવે છે, શું થયું છે? હોડીને કાંઈ નુકસાન થયું છે? મુસાફરો મળતાં નથી ? આમ કેમ થયું?’
મત્સ્યગંધા લજ્જાથી ગરદન ઝુકાવી બાપની સામે ઊભી મનમાં જવાબ શોધતી હતી. બાપની ફરિયાદમાં વજુદ હતું. ઘણી વખત મોડી ઘેર પહોંચ્યા પછી તે ભાજન પણ તૈયાર કરતી નહોતી. ઘણી વખત બીમાર બાપ પાસે એકાદ માછલી મૂકીને પોતે જાણે ખૂબ થાકી ગઈ હોય એવો દેખાવ કરી, તરત જ બિછાનાવશ થતી. બિછાનામાં પડ્યા પડ્યા તે પરાશર ઋષિના સાંન્નિધ્ય સુખનાં સ્વપ્નાંમાં ખોવાઈ જતી. બીમાર પિતા અસહાય હતો. એ પોતે હોડી ચલાવીને રોજી મેળવે તટલો સ્વસ્થ નહોતો, પરિણામે તે મનની પીડા ભોગવતો હતો.
મત્સ્યગંધા માતા બનવાની હતી. તેની હાલત વિષે જાણ થતા તેના બાપે પૂછ્યું, ‘કોનો ભારબોજ તું ઉઠાવે છે, મત્સ્યગંધા ?’
શરમના શેરડા ગાત્રો પર જામી પડ્યા. લજ્જા નયનોમાં પથરાઈ ગઈ અને બોજના ભારથી ગરદન પણ ઝૂકી પડી.
તેનો બાપ ક્રોધની જ્વાળામાં સળગતો હતો. તે પરિસ્થિતિ સમજી ગયો હતો. ક્રોધથી તેની કાયા થરથરતી હતી. સક્રોધ તેણે કહ્યું, ‘તો તેની સાથે લગ્ન કરવા હતા, ને ?’