લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૬૫
 

મળવા ઘણો ઉત્સુક હતો, પણ ઋષિ તેને આગળ વધતો અટકાવતા હતા.

‘વેદવ્યાસ જેવું બિરુદ પામનાર એક માછીની કન્યાનું સંતાન છે એમ જાણતાં લોકોમાં તારી પ્રતિષ્ઠા છે તે નાબૂદ થશે ને તપસ્વી પરાશર ઋષિનો ઉછેર પામેલો હોવા છતાં માછીમારની હલકી જાતિનો હોવાથી તારો કોઈ આદરભાવ પણ નહિ કરે. માટે હવે તું માછી કન્યાનો દીકરો છે એ વાત મનની પાટી પરથી સદાને માટે ભૂંસી નાખજે.’

વેદવ્યાસ ભૂતકાળ ભૂલી જઈ પરાશર ઋષિની જેમ તપસ્વી બનવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

જેમ મત્સ્યગંધા તેના સંતાનને વિસારે પાડીને શાન્તનુના પ્રેમમાં ખોવાઈ ગઈ હતી, તેમ વેદવ્યાસ પણ તેની જનેતાને વિસારે પાડી બેઠો હતો. પરાશર ઋષિ તેને શીખ દેતા હતા, તું તારી જનેતાને હવે ભૂલી જજે. હવે તે શાન્તનુની પ્રિયતમા બની હસ્તિનાપુરના રાજમહેલના વૈભવોમાં આળોટતી હશે. કદાચ તે પણ મહારાજા શાન્તનુના સંતાનોની માતા પણ બની હશે, એટલે તને યાદ કરવાની પણ તેને ફુરસદ નહીં હોય. માટે તું પણ તેને સદંતર ભૂલી જા અને વેદોના અભ્યાસમાં જ સમગ્ર ચિત્ત પુરાવીને તારું કર્તવ્ય અદા કરજે. આ આશ્રમ હવે તને જ અર્પણ કરી, હું પણ હવે વિદાય થઈશ.

પરાશર ઋષિની વિદાય પછી વેદવ્યાસ આશ્રમમાં રહી વેદોનો અભ્યાસ કરતા રહ્યા.

સત્યવતી ભૂતકાળને યાદ કરી તાજગી અનુભવતી હતી. તેની દૃષ્ટિ સમક્ષ વેદવ્યાસની પ્રતિમા ખડી થતી હતી. ઘણાં વર્ષો પછી તેને વેદવ્યાસની જરૂર પડી હતી. કદાચ તે તેની માતાને વિષે જાણતો પણ નહિ હોય. તેને ખબર પણ નહિ હોય કે આજની હસ્તિનાપુરની મહારાણી સત્યવતી જ્યારે મત્સ્યગંધા હતી. ત્યારે તેની માતા હતી.