સહસા તેનું હૈયું વલોવાઈ જવા લાગ્યું. તેની આંખોમાં પાણી ભરાયાં. પોતે પોતાના સંતાનને ઋષિના હવાલે કરી આવી. એ માતૃભાવ વિહોણા બાળકને ઋષિએ જો સાચવી લીધો ન હોત તો વૃક્ષની ડાળી પરના પારણામાં તેનું શું થયું હોત ?
હવે તેને તેના પુત્રનું મિલન થશે એવી આશાના તેજે તેનો ઉમળકો વધી પડ્યો. વેદવ્યાસ જેવા મહાપંડિતની જનેતા હોવાનો ગર્વ પણ તેને વળગી પડ્યો.
પુત્ર મિલનની આશામાં રમતી સત્યવતીના મનમાં એકાએક શંકાની વાદળી જામી. કદાચ વેદવ્યાસ નિયોગની વાતનો સ્વીકાર નહિ કરે તો ? કદાય વેદવ્યાસ ભીષ્મ સાથે આવવાનો જ ઈન્કાર કરે તો ? ભીષ્મ સાથે આવ્યા પછી, તે તેની જનેતાને કડવા શબ્દોથી દઝાડશે તો?
હા, વેદવ્યાસ સત્યવતીને ઓળખે પણ નહિ, પોતે જ મત્સ્યગંધા હતી. પરાશર ઋષિના સહવાસથી તેના જન્મ મત્સ્યગંધાની કુખે થયો છે, એ હકીકતનો સ્વીકાર કરવાની પણ તે ના ભણશે તો ?
આ તરંગો તેની માનસિક શાંતિ હણી રહ્યા હતા. તેની સ્વસ્થતા પણ થોડા સમય માટે હણાઈ ગઈ હતી. તરત જ તેણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા ધારણ કરીને ભીષ્મ સાથે વેદવ્યાસના આગમનની પ્રતિક્ષા કરતી રહી. પોતાના પુત્રના મિલન માટેનો તેનો તલસાટ પણ વધી પડ્યો.
ઘણો સમય થયો છતાં હજી ભીષ્મ પાછા ફર્યા ન હતા, એટલે વિચાર તરંગો ફરી દોડવા લાગ્યા. પણ જ્યારે ભીષ્મ વેદવ્યાસ સાથે તેની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેના હૈયાના હિલોળો વધી પડ્યો. તે એકદમ ઊભી થઈને વેદવ્યાસને હૈયાસરસા દબાવતાં હર્ષ ઘેલી બનીને કહી રહી, બેટા ! તું મહાપંડિત થયો તેનું મને ગૌરવ છે. ઘણાં વર્ષો પછી તારી જનેતા તને એક મહત્ત્વનાં