લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૬૭
 

કામ માટે બોલાવે છે. બોલ બેટા, તું… તારી માતાની આજ્ઞાનું પાલન કરીશ ને ?’

વેદવ્યાસ પણ પહેલી જ વાર તેની માતાનું દર્શન કરતાં આનંદ અનુભવતો હતો. તેણે સત્યવતીને વંદન કરતાં કહ્યું, ‘જીવનમાં પહેલી જ વાર માતાનું મિલન થાય ને એ સુભગ ક્ષણે માતા મને આજ્ઞા કરે તેનું પાલન ન કરું એ કદી બની શકે જ નહિ.’

‘આજ્ઞા કરો. માતા, શી કામગીરી કરવાની છે મારે?’ નમ્રતાપૂર્ણ સ્વરે વેદવ્યાસે કામગીરી વિષે પ્રશ્ન કર્યો.

સત્યવતી તેની કામગીરી વિષે નિર્દેશ કરતા અચકાતી હતી. આવા મહાપંડિત તપસ્વી પરાશરના પરાક્રમી પુત્ર નિયોગની તેની દરખાસ્ત વિષે સંમત થશે ખરો? તેના મનમાં મૂંઝવણ હતી.

‘કહો માતા, ગમે તેવી આજ્ઞાનો પણ તમારો પુત્ર જરૂર અમલ કરશે. તેમાં તેનું પંડિતપણું કે તેનું જ્ઞાન, તપ કાંઈ આડે આવશે નહિ.' વેદવ્યાસ ગંભીર ચિંતામાં પડેલી સત્યવતીને ખાતરી દેતાં હતા.

આખરે સત્યવતીએ તેની વાત મૂકી. કુરુવંશ હસ્તિનાપુરના ગાદીવારસ માટે નિયોગ વિષેની દરખાસ્ત મૂકતાં તે હલબલી ઊઠી હતી.

વેદવ્યાસે હિંમત દીધી, ‘મા, તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ.’