જ નથી.’
વેદવ્યાસ માતાની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયો ત્યારે તેના દિલમાં કંપ થતો હતો. અંબિકા અને અંબાલિકાના વ્યવહારે તે દાઝી ઊઠ્યો હતો. અંબિકાએ જેટલો સમય પોતે તેની સાથે રહ્યો તેટલો સમય આંખો બંધ રાખી હતી. ગમે તેમ પણ તેનેય માતા બનવાની ઇચ્છા ગમતી ન હોય એમ તેને લાગતું હતું.
અંબાલિકા તેને જોતાં ધ્રૂજી ઊઠી હતી. તેનાં અંગેઅંગ ધ્રૂજતાં હતાં. તેના મનમાં પણ વેદવ્યાસ વિષે કોઈ પ્રેમભાવ નહોતો. માત્ર માતાની ઇચ્છાનું જાણે પાલન કરતી હાય એમ કશો ઉત્સાહ વિના જાણે વર્ષોથી બીમાર હોય તેવો। વ્યવહાર રાખતી હતી.
જ્યારે દાસી તેના પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરતી હતી. તેના પૂજન કર્યાં હતાં. તેની સેવામાં ઉપસ્થિત હતી.
આમ ત્રણેના ભિન્ન ભિન્ન વ્યવહાર હતા. વેદવ્યાસ આવા ભિન્ન ભિન્ન વ્યવહારનું પરિણામ માતાને જણાવી તેના દિલમાં અત્યારથી જ ચિંતાની ચિનગારી સળગતી કરવા ઇચ્છતા ન હતા. એટલે તેણે નિયોગના ભાવિ પરિણામ વિષે મૂંગા રહેવાનું ઉચિત માન્યું, પરસ્ત્રી સાથેનો સંબંધ એ પાપકૃત્ય છે એમ તો તેઓ માનતા હતા. એટલે તેમણે પ્રાયશ્ચિત્ત કરવાનો પણ નિર્ણય કર્યો હતો. જેની સત્યવતીને જાણ કરી તે ભારે પગલે પાછા ફરવાની તૈયારી કરતા હતા.
સત્યવતીના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું : ‘મા, તપસ્વીના તપોભંગ કરવા દેવો સ્વર્ગની સુંદરીઓને ધરતી પર મોકલે છે. વિશ્વામિત્ર જેવા તપસ્વી લપસી પણ પડે છે. મારે માટે કોઈ સ્વર્ગની સુંદરી ન હતી. માતાની આજ્ઞા – પ્રથમ વાર અને હવે છેલ્લી વારની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું શક્ય ન હતું. એટલે તમારી આજ્ઞાને આપદ્ધર્મ માનીને વ્યવહારમાં મૂકી. પણ મા, મારું દિલ સાધુનું છે. મારું મન તપસ્વીનું છે. તેને માટે આ