સંભાળી શકશે ?’ પ્રશ્ન કર્યો.
ભીષ્મના મનમાં ચિંંતા હતી. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે પેલી કહેવત પ્રમાણે જેનો આગેવાન આંધળો તેનું લશ્કર કૂવામાં જ પડે. પાંડુ વનમાં ગયો છે ને અંધ ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠો છે, તેની જાણ થતાં પાંડુની તાકાતથી જેઓ હજી પણ થરથરે છે તેઓ હિંમતવાન બનીને કદાચ હસ્તિનાપુર પર આક્રમણ કરે તો અંધ ધૃતરાષ્ટ શું કરી શકવાનો હતો ? તેની આજ્ઞા પ્રમાણે જ સેનાપતિને વ્યૂહરચના કરવાની હોય. એ વ્યૂહરચનામાં તેણે પણ ભાગ લેવો જોઈએ. પણ હતાશા ઠાલવતાં ભીષ્મ સ્વગત બોલી રહ્યો. ‘અંધ ધૃતરાષ્ટ્ર શું કરવાનો હતો ? તેની સમજ પણ કેટલી ?’
તેના ચહેરા પર ચિંતાની રેખાઓ રમતી હતી. સત્યવતી પણ દ્વિધામાં હતી. ભીષ્મના ચહેરા પરની ચિંતા જોઈ તેણે કહ્યું, ‘ભીષ્મ, પ્રશ્ન ઘણો જ વિકટ છે ખરું ને ?’
‘હા, મા ! પણ બીજો વિકલ્પ શો છે?’ ભીષ્મે જવાબ દીધો.
‘વિકલ્પ તા છે જ, પણ ભીષ્મ તૈયાર નથી એટલે મૂંઝવણ છે.’ સત્યવતીએ તેના મનોભાવ ઠાલવતાં ફરી ભીષ્મને આગ્રહ કર્યો, ‘થોડા સમય માટે તમે જ સંભાળો તો? આપદ્ધર્મ છે. તમે ક્યાં હંમેશ માટે ગાદીપર બેસો છો? માત્ર થોડા સમય માટે તમારે જવાબદારી સંભાળવી જોઈએ.’ કાકલૂદી કરતી હોય એમ દ્રવિત સ્વરે કહી રહી, ‘ભીષ્મ, તમે હઠાગ્રહી ન બનો. આફતની ક્ષણોમાં તમારે થોડા ઉદાર પણ થવું જોઈએ’
સત્યવતીના સતત આગ્રહ છતાં ભીષ્મ તેમના નિર્ણયમાં મક્કમ હતા. ‘પ્રતિજ્ઞાપાલનમાં કોઈ અપવાદ ન હોય, મા ! તેનું સંપૂર્ણ પણે પાલન થવું જ જોઈએ.’
‘તો હવે ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક કરો.’
‘રાજ્યાભિષેક નહિ, માત્ર ગાદી સંભાળે.’ભીષ્મે સત્યવતીની સલાહનો વિરોધ કરતાં કહ્યું, ‘જો પાંડુએ ગાદીત્યાગ કર્યો હોય