એ કલ્પનાનો અંત લાવશે.’ તેમણે પ્રશ્ન કર્યો, ‘ધૃતરાષ્ટ્રના રાજવહીવટમાં કોઈ ક્ષતિ તમે જોઈ છે? વિદુર સતત ઉપસ્થિત જ હોય છે. ધૃતરાષ્ટ્રને પણ વિદુર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.’ પછી અટહાસ્ય કરતાં ભીષ્મ બોલ્યા, ‘મા, તમે કદાચ નહિ માનો, પણ ધૃતરાષ્ટ્ર વિદુરને પોતાના ખોળામાં બેસાડી તેના પર વાત્સલ્યભાવ વર્ષાવે છે.’ પછી મૂળ પ્રશ્ન ઉપસ્થિત કરતા પૂછ્યું : ‘કહો મા, તમને ચિંંતા શાની છે? પાંડુની તબિયત પણ હવે સુધારા પર છે. થોડા મહિના સંપૂર્ણ આરામ કર્યા પછી પુનઃ પાછો ફરશે એમ લાગે છે. પછી ચિંંતા શી છે, મા ?’
સત્યવતી ભીષ્મની વાત ધ્યાનપૂર્વક સાંભળતી હતી. હમણાં છેલ્લા સમાચાર પ્રમાણે પાંડુની તબિયત થોડી સુધારા પર છે એટલે તેને વિશે કોઈ ચિંંતા ન હતી. તેની ચિંંતા કુરુવંશ વધતો જ રહે તે વિષેની હતી.
ભીષ્મ કદાચ તેની ચિંંતા દૂર કરી શકે એવી આશાથી તેણે ભીષ્મ સમક્ષ પોતાની ચિંંતા કાલ્પનિક નથી. એ હકીકત પર આધારિત છે તેવી સ્પષ્ટતા કરતાં કહ્યું :
‘ભીષ્મ, ફરી ફરીને કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદી વિષે જ મને ચિંંતા રહે છે. ફરી ફરીને તમારી પર દૃષ્ટિ સ્થિર થાય છે.’
પોતાની સમક્ષ શાંત, સ્થિર, શૂન્યમન્શક ઊભેલા ભીષ્મ સમક્ષ પોતાની ચિંતા વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ભીષ્મ, ઈશ્વરનો સંકેત જ એવો છે કે કુરુવંશની વૃદ્ધિ અને હસ્તિનાપુરની ગાદીની જવાબદારી તમે જ ઉઠાવો. તમે જ હવે એક માત્ર આધારસ્તંભ છો.’ પછી આગ્રહ કર્યો, ‘હવે તમે હઠ પકડશો નહિ. ઈશ્વરની ઇચ્છાનો તમારે અમલ કરવો જ જોઈશે.’
ભીષ્મ પણ મનમાં મૂંઝવાતા હતા. સત્યવતી જે કાંઈ બોલતી હતી, તેની જાણે તેમને સમજ પડતી ન હોય એમ જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાખી રહ્યા.