લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ ✽ પિતામહ
 

‘હજી તમે સમજ્યા નથી ?’

‘હા, જરા સ્પષ્ટતાની જરૂર છે. ઈશ્વરની ઇચ્છા વિષે તમે શી વાત કહો છો, કહો તો ખરા?’

હવે ભીષ્મ સમક્ષ તેમની જવાબદારી વિષેનો ખ્યાલ આપવા સત્યવતી પણ વધુ સ્વસ્થતા ધારણ કરી રહી.

‘જુઓ ભીષ્મ, જ્યારે મારા બન્ને પુત્રો નિઃસંતાન મૃત્યુ પામ્યા ત્યારે જ મને સમજાયું કે હું દુર્ભાગી છું. મેં તમારો હક્ક છીનવી લીધો. તેની સજા ઈશ્વર મને સતત કરતો જ રહે છે.’ બોલતાં બોલતાં સત્યવતી દ્રવી ગઈ હતી.

એમ ન બોલો, મા, તમે દુર્ભાગી નથી, બડભાગી છો મા! ભીષ્મ જેવો દીકરો તમારી સેવામાં સતત ઉપસ્થિત હોવા છતાં તમે તમારી જાતને દુર્ભાગી કેમ માનો છો, મા?’

‘બરાબર. ભીષ્મ, તમારો પ્રશ્ન બરાબર છે. તમારી સેવાથી હું પ્રસન્ન છું. મને વિશ્વાસ પણ છે કે તમારી સહાનુભૂતિ જ મારા દુર્ભાગ્યને ફેરવી શકશે.’

‘તો હવે અવિશ્વાસ શા માટે?’

‘અવિશ્વાસ નથી, પણ હકીકત સ્પષ્ટપણે અવિશ્વાસ પ્રેરે છે.’

‘હકીકતો શી છે. કહો તો ખરા ? તેનો પણ ઉકેલ તો હશે ને ?’

‘હા, ઉકેલ જરૂર છે. તેમાં તમારી સહાયતાની જરૂર છે.’

‘તો બતાવો ઉકેલ ?’

‘જુઓ ભીષ્મ, પાંડુને બબ્બે રાણીઓ હોવા છતાં તે સંતાનોનો પિતા બની શક્યો નથી.’

‘હા, પણ તેનું દર્દ જ જો એવું હોય તો પાંડુ શું કરે?’

‘ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે તેને કોઈ દીકરી દેવા તૈયાર ન જ હોય એ પણ સ્વાભાવિક છે ને ?’

‘હા, તદ્દન સાચી વાત છે. જાણી જોઈને પોતાની દીકરી અંધને દેવા કોણ તૈયાર થાય ?’