લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ ✽ પિતામહ
 

કરવા પણ ધૃતરાષ્ટ્ર તૈયાર છે. પછી શંકાને સ્થાન ક્યાં છે ?’

પિતામહના લાંબા પ્રવચન છતાં પણ વિદુરના મનની શંકા શાંત થતી ન હતી, તેણે ફરીથી આગ્રહપૂર્વક કહ્યું, ‘તમે હમણાં પાંડવોને વારણાવત જવાની સલાહ ન આપશો.’

‘કેમ ? શો વાંધો છે ? દુર્યોધનનો નવો મહેલ તૈયાર થઈ ગયો હોય તો પાંડવો ભલે જાય.’ પિતામહે કહ્યું. પિતામહની દલીલથી વિદુર મનમાં ખિજાયો હતો. કદાચ તેમના સ્થાને કોઈ બીજી વ્યક્તિએ આવી દલીલ કરી હોત તો તે ઉશ્કેરાઈ પણ ગયો હોત. પણ પિતામહની દલીલ સામે ગંભીરતા ધારણ કરી શાંત રહ્યો હતો.

‘પણ થોડાં અઠવાડિયાં મોડા જશે તો ?’ વિદુર તેની શંકાના નિવારણ માટે પ્રયાસ કરતો હતો. તે ધૃતરાષ્ટ્ર ન જાણે તેમ વારણાવત જવા ઇચ્છતો હતો, પણ તેની યોજના જાહેર થવાના ભયે તે પિતામહને કહી શકતો ન હતો.

કુંતી પણ ઉપસ્થિત હતી. વિદુરના મનની શંકાથી તે પણ થોડીઘણી શંકાશીલ બની હતી. તેણે કહ્યું, ‘ભલે હમણાં જવાની ઉતાવળ નહિ કરીએ.’ ને વિદુરને પૂછ્યું, ‘હવે શાંતિ થઈ ?’

‘શાંતિ ક્યાંથી થાય ભાભી ?’ દંતાવલી વચ્ચે અધરોષ્ઠને દબાવતાં વિદુર બોલી રહ્યો, ‘ધૃતરાષ્ટ્રને તમે જાણતાં નથી. પિતામહ તો તેમના જેવા જ બીજાને પણ જુએ છે. હું તો ધૃતરાષ્ટ્રની રગરગનો જાણકાર છું, પિતામહ !’

વિદુર જ્યારે બોલતો હતો ત્યારે પિતામહ ધ્યાનપૂર્વક તેની સામે જોઈ રહ્યા હતા. વિદુર વિષે તેમના મનમાં ભારે આદરભાવ હતો. તે ભાગ્યે જ બોલતો. પણ જ્યારે બોલતો ત્યારે તેના શબ્દોનું વજન પડતું હતું. પિતામહના મન પર વિદુરના શબ્દોનું વજન પડતું હતું. તે પણ વિદુરની શંકા વિષે ગંભીર હતા.

‘વિદુર, તારી શંકા અસ્થાને તો નહિ જ હોય. પણ હવે