બીજો માર્ગ શો ? ધૃતરાષ્ટ્રની વાત મેં માન્ય રાખી. હવે તેને ના પણ કેમ કહેવાય ?’ પિતામહે પ્રશ્ન મૂક્યો ને ઉમેર્યું, ‘ના ભણવા જતા ધૃતરાષ્ટ્રને માઠું લાગે. ભાઈ, તું જાણે છે કે હજી પાંડવો માટે જે કાંઈ લેવાનું છે તે તેની પાસેથી લેવાનું છે. હસ્તિનાપુરનો રાજા તે છે એટલે તેને નિરાશ કરવાની જરૂર નથી.’
‘જાણું છુ પિતામહ !’ વિદુરે પિતામહની ચિંંતા વિષે કહ્યું, ‘તમે ચિંંતિત છો, પણ હું ના ભણવાનું કહેતો નથી. તમારી ચિંંતા સકારણ છે. હું તો તત્કાલ થોભી જવાની સલાહ આપું છું.’
‘પછી ?’
‘પછી હું વારણાવત જઈને દુર્યોધને નવા બંધાવેલા રાજભવનની તપાસ કરી આવું. પછી જવાની ગોઠવણ કરો એટલી જ મારી વાત છે.’ વારણાવત જઈ તપાસ કરવાની વિદુરની વાતે પિતામહના મનમાં શંકા જાગ્રત કરી. તેમને પણ શંકા થઈ કે, કદાચ વિદુરની વાતમાં તથ્ય હોઈ શકે. પાંડવોને અર્ધું રાજ્ય આપવું પડે તેના કરતાં પાંડવોનો જ નાશ થાય તો હસ્તિનાપુરનું આખું રાજ્ય તેને જ મળે તેવી કોઈ દુષ્ટ વિચારણા હોય. પણ તરત જ એમના મનમાં પ્રશ્નો ઊઠ્યા, ધૃતરાષ્ટ્ર આવો વિચાર કરી જ કેમ શકે ? હસ્તિનાપુરનું રાજ્ય ખોબા જેટલું હતું. તેનો વ્યાપ, વિસ્તાર તો પાંડુએ જ કર્યો ને યુદ્ધોમાં તેની જિંંદગી તબાહ થઈ એ પણ તે ભૂલી ગયો હશે ?
શંકા-કુશંકાનાં વાદળો પિતામહના મનોપ્રદેશ પર જામતાં હતાં. વિદુર પિતામહની અનુમતી માંગતો તેમની સામે બેઠો હતો. તેઓ કોઈ નિર્ણય પર આવી શકતા નહોતા. વિદુરની વાતો પર તેમને વિશ્વાસ હતો, પણ ધૃતરાષ્ટ્ર આવી યોજના કરે એ વાતનો સ્વીકાર કરવા તેઓ તૈયાર નહોતા.
વિદુર અને પિતામહને ગંભીર મૌન ધારણ કરી બેઠેલા જોઈ કુંતીના મનમાં પણ સળવળાટ થવા લાગ્યો. તેને પણ વિદુરની શંકા