લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦ ✽ પિતામહ
 

રહી. મારો દુર્યોધન જ ગાદી પર બિરાજશે.’

પિતામહ માટે વિદુર જે કાંઈ કહેતો હતો એ બધી જ હકીકતો નવી હતી. તે પણ વિસ્મય પામ્યા.

સમય ઝડપથી પસાર થતો હતો. ધૃતરાષ્ટ્ર અવારનવાર વિદુરને કુંતી અને પાંડવો વિષે પૃચ્છા કરતો હતો. વિદુર તેને વિશ્વાસ દેતો હતો. વારણાવતની જનતાએ પાંડુના પુત્રોનું જે ઉમળકાભેર સ્વાગત કર્યું તેનું વિસ્તારથી વર્ણન પણ કરતો હતો. ત્યારે ધૃતરાષ્ટ્ર આનંદ પામતો હતો. તેના દિલમાં ભાવિની અમંગળ ઘટના વિષે કોઈ સંકેત પણ નહોતો.

ત્યાં એક સવારે હસ્તિનાપુરમાં સમાચાર ફરી વળ્યા : વારણાવતના રાજભવનને પ્રચંડ આગની જ્વાલાએ ભરખી લીધું. પાંડવો અને કુંતી પણ તેમાં હોમાઈ ગયાં.

આ સમાચારે સન્નાટો ફેલાયો. ધૃતરાષ્ટ્રે મોટા સાદે પોક મૂકવા માંડી, ‘મારા દીકરાઓને આગ ભરખી ગઈ.’ એમ બોલતાં તેણે જ છાતી કૂટવા માંડી.

દુર્યોધન પણ અશ્રુ પાડતો, જોરજોરથી કલ્પાંત કરતો, મોટે સાદે બોલતો, ‘એ, મારા બાંધવો, તમે ક્યાં ગયા ? શું થઈ ગયું ?’ પાંડવોના અવસાનના સમાચારે હસ્તિનાપુરમાં ગમગીની વ્યાપી રહી હતી.

પિતામહ પૂછતાં, ‘દુર્યોધન, તેં તપાસ કરાવી છે ખરી?’

‘હા, પિતામહ, હા. રાજભવનની આગમાં પાંચ પુરુષો અને એક સ્ત્રી શેકાઈને ભડથું થયાં છે. મેં પૂરતી તપાસ કરાવી છે. એ પાંડવો અને કુંતીમા સિવાય બીજું કોણ હોય ?’

પિતામહ આ કલ્પાંતના કરતૂતો જોઈ ખિન્ન બની ગયા હતા. તેમના ચહેરા પર ઉદાસીનતા હતી. હૈયાફાટ વલોપાત કરતાં ધૃતરાષ્ટ્રને શાંત્વન દેતાં કહી રહ્યા, ‘મને શંકા છે, કદાચ પાંડવો સલામત પણ હોય.’