લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૩૧
 


‘ન્યાયની વાત ન કરશો, ગુરુદેવ !’ દુર્યોધને દ્રોણાચાર્ય વધુ દલીલો કરે તે પહેલાં વિદાય લીધી.

ગુરુ દ્રોણ પણ દુર્યોધનની પાછળ આશ્ચર્યજનક દૃષ્ટિ નાંખતા ઊભા રહ્યા.

‘ભારે હઠીલો છે.’ ધૃતરાષ્ટ્રે કહ્યું.

‘તો તેનો વિનાશ પણ નક્કી છે.’ ગુસ્સાભરી વાણીમાં દ્રોણ બોલી રહ્યો, ‘ગુરુની મર્યાદા પણ સમજતો નથી!’

‘હવે કોઈ માર્ગ ન હતો.’ પિતામહે યુધિષ્ઠિરને લાચારીભર્યા શબ્દોમાં કહ્યું, ‘ભાઈ યુધિષ્ઠિર, દુર્યોધન ભારે હઠાગ્રહી છે. મારી વાત જવા દે, પણ ગુરુ દ્રોણ સાથેનું તેનું વર્તન કેવું બેઅદબીભર્યું હતું.’

‘તો હવે ?’ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો.

‘હવે તો શ્રીકૃષ્ણ સમજાવે તો ?’ પિતામહે સૂચન કર્યું, ‘શ્રીકૃષ્ણ તમારા બંનેના હિતસ્વી છે. તેમનો પ્રભાવ છે એટલે કદાચ તેમની વાત દુર્યોધન સમજે તો?’

‘દુર્યોધન સમજશે ખરો ?’ યુધિષ્ઠિરે ચિંતાભર્યા સ્વરે પૂછ્યું ને ઉમેર્યું, ‘જો દુર્યોધન હઠાગ્રહી જ હોય તો શ્રીકૃષ્ણને તસ્દી દેવાની જરૂર પણ શી છે ?’

‘તો હવે તમે શું કરશો ?’ પિતામહ પાંડવોની ભાવિ યોજના વિષે જાણવા માગતા હતા.

‘શું કરવાનું હોય હક્ક માટે. યુદ્ધ વિના બીજો કોઈ વિકલ્પ છે ખરો ?’ યુધિષ્ઠિરે સખેદ જણાવ્યું ને કહ્યું, ‘ભાઈ અર્જુન તો આ વિષ્ટિની વાત જ સ્વીકારવા તૈયાર ન હતો. અમારા વનવાસ દરમ્યાન પણ દુર્યોધને અમારો નાશ કરવા માટેના પ્રયાસો ઘણા કર્યા. અરે, દ્રૌપદીનું અપહરણ કરવા જયદ્રથને મોકલ્યો પણ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા એટલે વિષ્ટિ પણ નહીં. યુદ્ધ માટે ભીમ ને અર્જુન આગ્રહી છે. મા કુંતીને યુદ્ધ નથી જોઈતું. હું પણ એમ જ ઇચ્છું