લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૪૩
 


‘કેવો વિચિત્ર પ્રશ્ન છે, ધૃતરાષ્ટ્ર ?’ પિતામહે આશ્ચર્ય વ્યક્ત કર્યું ને વળતો પ્રશ્ન કર્યો, ‘કેમ, તને મારા વિષે કોઈ શંકા છે ?’ પછી તરત જ સ્પષ્ટતા કરી, ‘ધૃતરાષ્ટ્ર, માણસ અર્થનો દાસ છે. અર્થ માણસનો દાસ નથી. એટલે હું તમારો આશ્રિત છું પછી પાંડવોના પક્ષે જવાની શંકા તમને કેમ જાગી ?’

પિતામહના સ્પષ્ટ જવાબથી ધૃતરાષ્ટ્ર છોભીલો પડી ગયો. તે કાંઈ પણ સ્પષ્ટતા કરે તે પહેલાં પિતામહે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું, ‘ધૃતરાષ્ટ્ર, પાંડવો પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. તેમણે ઘણું ઘણું વેઠ્યું છે. દુર્યોધને તેમને ખતમ કરવા ઓછા પેંતરા રચ્યા નથી, છતાં પાંડવોના દિલમાં દુર્યોધન પ્રત્યે કોઈ રોષભાવ નથી. તેમણે માત્ર પાંચ ગામની જ વાત મૂકી. દુર્યોધને એ વાતનો પણ સ્વીકાર કર્યો નહિ ને મહાભયંકર વિનાશક યુદ્ધ નોતર્યું. તેનો મને અફસોસ જરૂર છે, પણ તેથી હું તમને દગો દઈને પાંડવોના પક્ષે દુર્યોધન સામે લડવા જાઉં એવો નાદાન તો નથી જ.’

શ્વાસ શાંત કરવા થોડી ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે વધુમાં ઉમેર્યું, ‘પણ વિજય તો પાંડવોનો જ હશે.’

‘પાંડવોનો વિજય હશે ? શું કહો છો પિતામહ ?’ ધૃતરાષ્ટ્ર રાડ પાડી ઊઠ્યો હોય એમ બોલ્યો ને ઉશ્કેરાટમાં કડવા વેણ ઓકી નાંખ્યા, ‘આશ્રિત થઈને તમે પાંડવોનો વિજય ઇચ્છો છો ?’

‘ના, માત્ર ઇચ્છતો નથી પણ હકીકત છે. સત્ય, ન્યાય પાંડવોના પક્ષે છે. વિજય હંમેશા ધર્મનો, સત્યનો જ હોય છે.’

ધૃતરાષ્ટ્ર હવે કોઈ દલીલબાજીમાં ઊતરવા ઇચ્છતો નહોતો. તેને જે જાણવું હતું તે જાણી લીધું. પિતામહ ભલે પાંડવોના વિજય વિષે બકવાસ કરે પણ તેઓ પાંડવો સામે જ દુર્યોધનના પક્ષે ઊભા રહેશે. પછી પાંડવોનો વિજય શી રીતે કલ્પી શકે? તેઓ પોતે નિર્બળ પુરવાર કેમ થઈ શકે ?

આખરે પિતામહ કૌરવસૈન્યની સાથે જોડાયા, તેનો પાંડવોના